• રવિવાર, 29 નવેમ્બર, 2026

કેપ્ટન મેકમર્ડો : કચ્છના ઈતિહાસનું રોમાંચક ચરિત્ર

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : કચ્છમાં આજે પ્રવાસન ખૂબ વિકસ્યું છે.દેશ - વિદેશના ટૂરિસ્ટો રજાઓમાં મોટી સંખ્યામાં ઊમટી પડે એટલે રસ્તા, હોટેલો, ખાણીપીણીનાં રેસ્ટોરાં હાઉસફુલ.અત્યારનું પ્રવાસન સિઝનલ છે.શિયાળામાં રણમાં મીઠું જામે ને વ્હાઈટ ડેઝર્ટ રચાય.. .એટલે લોકો ઊમટી પડે...સહેલાણીઓને આ જોવું મનોરમ્ય લાગે છે.કચ્છની ક્ષમતા એથી અનેકગણી છે.ભવ્ય ઈતિહાસ, તેની સ્મૃતિ સાચવી બેઠેલાં ધામો, ધાર્મિક જગ્યાઓ, જીવંત મ્યુઝિયમ જેવી હસ્તકળા...રમણીય સાગરકાંઠો, કાળો ડુંગર, ધીણોઘર, ભાંજડો, નનામો જેવા ડુંગર...આ બધી વિશિષ્ટતાઓને ઉજાગર કરીને કચ્છને બારે મહિના પ્રવાસન ક્ષેત્રે ધમધમતો જિલ્લો બનાવી શકાય...આવું કરવા માટે દૃષ્ટિ જોઈએ, થોડું સંશોધન કરીને ભુંસાઈ ચૂકેલી ભવ્ય - ભગ્ન આકૃતિઓને નવેસરથી સુરેખરીતે રેખાંકિત કરવી જોઈએ.કચ્છ તો આવી જગ્યાઓની ખાણ છે.જરૂર છે એ હીરાને ચમકાવીને - પાસાદાર બનાવીને દુનિયા સમક્ષ મૂકવાની.આજકાલ પ્રવાસીઓની ઊમટતી ભીડમાં અંજારનો નંબર હજુ નથી લાગતો...ભરેશ્વરનું પ્રાચીન મંદિર, જેસલ - તોરલની સમાધિ, વીર બાળભૂમિ સ્મારકનો યોગ્ય પ્રચાર - પ્રસાર નથી થયો...અંજાર નગરમાં વધુ એક બળૂકી જગ્યા જર્જરિત હાલતમાં ઊભી છે, એ છે કેપ્ટન મેકમર્ડોનો બંગલો.કચ્છરાજના પ્રથમ પોલિટિકલ એજન્ટ કેપ્ટન જેમ્સ મેકમર્ડોનો જન્મ 30 નવેમ્બર, 1785ના સ્કોટલેન્ડમાં ડફ્રીશાયરમાં થયો હતો અને 28મી એપ્રિલ, 1820ના માત્ર 34 વર્ષની વયે  તેમનું કોલેરાનાં કારણે કચ્છમાં વરણું ખાતે અવસાન થયું.સવા બસ્સો વર્ષપહેલાંનું એ વ્યક્તિત્વ આજે પણ કચ્છના ઈતિહાસમાં, અંજારની પુણ્યભૂમિમાં ધબકે છે.કચ્છના ઈતિહાસમાં મેકમર્ડોનું નામ આદરથી લેવાયું છે.તેમની સમજદારી, સહૃદયતાના અનેક કિસ્સા નોંધાયેલા...અને અંજાર કચ્છનું સૌથી જૂનું રાજ્ય.એ સમયે મેકમર્ડોએ નગરની બિલકુલ મધ્યમાં બંગલો બંધાવ્યો.કચ્છના રાજાશાહી ઈતિહાસને લગતાં પુસ્તકો -સંચયોમાં તેમના વિશે છૂટક માહિતી વેરાયેલી પડી છે.`ભાતીગળ ભોમકા કચ્છ'માં નરેન્દ્રકુમાર જોશીએ નોંધ્યું છે કે કચ્છના ઈતિહાસમાં મેકમર્ડોએ ઘણો ભાગ ભજવ્યો.તેમણે બંગલાની દીવાલો પણ સ્થાનિક કલાકારો પાસેથી  કમાંગરી કળાનાં ભીંતચિત્રો તૈયાર કરાવ્યાં હતાં.રામાયણ - મહાભારતનાં પાત્રો, કથાનકોને આવરી લેતાં ભીંતચિત્રોના અવશેષો આજે પણ બંગલાની જર્જરિત દીવાલ પર ક્યાંક ડોકિયું કરે છે.બંગલાનાં ચોગાનમાં બ્રિટિશ ધ્વજ નીચે પથ્થર  પર કોતરાયેલા `કોર્ટ ઓફ આર્મ્સ' પાસે બેસીને  ન્યાય આપતા આ વિદેશી રાજ્યકર્તાએ સ્થાનિક પ્રજામાં લોકપ્રિયતા મેળવી હતી.રાજમાં શું ચાલી રહ્યું છે એ જાણવા તેઓ `ભૂરિયા બાવા'નો વેશ ધારણ કરીને અંજારની બજારમાં ઘણાં વર્ષ બેઠા રહેતા.ઈ.સ.1819ની સાલમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મહારાવ દેશળજી વચ્ચે જે કોલ - કરાર થયા હતા, તેમાં એક તરફ કેપ્ટન મેકમર્ડોની સહી હતી અને બીજી તરફ કચ્છ દરબારવતી જાડેજા ભાયાતોએ સહી કરી હતી.`અતીતની અટારીએથી'માં કંચનપ્રસાદ છાયાએ મેકમર્ડોનાં પરાક્રમ અને જીવનનું શબ્દચિત્ર આપ્યું છે.મેકમર્ડો સૌરાષ્ટ્રમાં દ્વારિકાથી ઉત્તર ગુજરાતના છેડા સુધી ઘોડા પર ફર્યા હતા અને દરેક ગામનો ઈતિહાસ નોંધ્યો હતો.આ યુવા અંગ્રેજની સૂઝબૂઝ અદ્ભુત હતી.કંચનપ્રસાદભાઈનું સંશોધન કહે છે કે મેકમર્ડો ઈ.સ.1815થી અગાઉ કચ્છમાં આવ્યા અને અંજાર શહેરમાં નાગા બાવાના વેશમાં ટીંબી કોઠા પાસે બેસતા થયા.લોકો તેને `ભૂરીયો બાવો' કહેતા.ગૌર વર્ણના અંગ્રેજનો ઈરાદો કચ્છમાં જાસૂસી કરવાનો જ હતો.તેમણે અંજારમાં થાણું રાખ્યું.કચ્છમાં બાવાવેશે ફરીને પરિસ્થિતિ જોઈ લીધી.પછી તેઓ ચાલ્યા ગયા અને ઈ.સ.1815માં તેમણે અંજાર ઉપર હુમલો કરી તે કબજે કર્યું.તે પછી તેમણે અંજારમાં ટીંબી કોઠા ઉપર બંગલો તથા ગઢ ઘોડાર વિગેરે બાંધ્યાં, જે જીર્ણ દશામાં આજે પણ જોઈ શકાય છે.કચ્છ ધરતીકંપથી ગ્રસ્ત થાય છે તેવી જાણકારી મેળવી હશે, તેથી તેમણે ટીંબી કોઠાની ટેકરાની જમીન પસંદ કરી હશે.આ સ્થળને ધરતીકંપો ડોલાવી શકે છે, પરંતુ વધારે નુકસાન કરતા નથી.ઈ.સ.1819માં કચ્છમાં બહુ જ વિનાશક ધરતીકંપ થયેલો, તે વખતે જેમ્સ મેકમર્ડો ગઢના બુરજ ઉપર ખુરશી ઉપર બેઠા હતા.ધરતી ધણધણી, તેઓ નીચે ઊતરી આવ્યા.તે પછી જે વિનાશ તેમણે અંજાર સહિત સારાય કચ્છમાં જોયો, તે તેમણે નોંધ્યો છે અને પોતાનાં વડાં મથકે મોકલ્યો છે.તેમના લખવા મુજબ તે વખતે ભુજની હાલત એવી હતી કે લગભગ તમામ ભુજ ખંડેર સમાન બની ગયું હતું.રાજમહેલ સહિતને નુકસાન થયું હતું.ભુજમાં વચ્ચે ઊભા રહેલાં પાંચે નાકાં જોઈ શકાતાં હતાં.કલ્પના કરો, આ સ્થિતિ કેવી હશે.તે વખતે મેકમર્ડો આખા કચ્છમાં ઘોડાથી સર્વે કરવા નીકળેલા અને છેક સિંધોડીના કિલ્લા સુધી કચ્છની સરહદે ગયેલા.તેમણે જે જે જોયું, તેનું વર્ણન બહુ જ રોચક તથા રસપ્રદ છે.વોકળાઓમાં પાણી નહોતાં, ત્યાં પાણી ઊભરાઈ ગયાં, જ્યાં પાણી હતાં તે પાણીવિહોણાં થયાં અને ચારે તરફ તેમણે વિનાશ જ જોયો.પૃથ્વી પાણીનાં મોજાંની પેઠે ધણધણતી તેમણે જોઈ હતી.આ વિનાશક ધરતીકંપને કારણે સિંધુની એક શાખા કોરી નદીનાં વહેણ કચ્છ લખપત પ્રદેશમાં આવતાં બંધ પડયાં અને લખપત તાલુકામાં ચોખાની ખેતી બંધ પડી.આ ધરતીકંપે કચ્છને બૂરી રીતે ધમરોળી નાખ્યું, જેની અસરમાંથી બહુ મોડેથી મુક્ત થયું.જેમ્સ મેકમર્ડેને આ અહેવાલ તેમની ડાયરીમાં નોંધાયો છે.જેમ્સ મેકમર્ડો કચ્છ રાજ્ય બ્રિટન સાથે મૈત્રીકરારથી જોડાયું, ત્યારે કચ્છના પ્રથમ પોલિટિકલ એજન્ટ બન્યા હતા.તેમનું મૃત્યુ યુવાન વયે વાગડમાં આડેસર પાસે સૌરાષ્ટના સીમાડે આવેલાં વરણુ ગામમાં થયું.આ સ્થળે વર્ણુશ્વર મહાદેવનું મંદિર છે.અહીં મેકમર્ડો ફરતા ફરતા ગયા હતા.રાત્રે ત્યાં રોકાયા હતા.દરમ્યાન તેમને કોલેરાનો રોગ થયો અને કોઈપણ તબીબી મદદ આવે તે પહેલાં અંદાજે 35 - 36 વર્ષની વયે ગુજરી ગયા.શ્રી છાયાએ નોંધ્યું છે કે  જેમ્સ મેકમર્ડો જેવા અનેક અંગ્રેજ યુવાનોએ પોતાના દેશ માટે જાનની કુરબાની આપી છે.આપણા યુવાનોએ તેમનાં જીવનમાંથી પ્રેરણા લેવા જેવું છે.જે જુએ તેની નોંધની ડાયરી રાખવાની તેમની પ્રવૃત્તિ આજે પણ આપણને ઉપયોગી થાય છે.એટલું જ નહીં, પણ જે વાત કોઈપણ વખતે જાણી શકાત નહીં, તે સંપૂર્ણ માહિતી તેનાથી પ્રાપ્ત થાય છે.અંજારમાં ટીંબા પર આજે પણ મેકમર્ડોનો બંગલો જર્જરિત હાલતમાં ઊભો છે.આવા ભવ્ય ઈતિહાસ અને તેનાં સ્મારકને આપણે સાચવી નથી શક્યા, એનો ફક્ત અફસોસ જ કરવો રહ્યો.અંજારવાસીઓ કહે છે કે ભૂકંપ સુધી સ્થિતિ સારી હતી.ઘણીવાર યુરોપિયન ટૂરિસ્ટ ત્યાં પહોંચી આવતા...તસવીરો ખેંચતા, પણ આજે ફક્ત દુર્દશા જ જોવા મળે...પુરાતત્ત્વ વિભાગ, કલેક્ટર, ટૂરિઝમ ખાતું કે જનપ્રતિનિધિ...કોઈએ તેની જવાબદારી લેવી જોઈએ.કોઠીને રિનોવેટ કરાવી, તેની દીવાલોને ફરી કમાંગરી ચિત્રોથી સજાવી મેકમર્ડોની પ્રતિમા સાથે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવો જોઈએ...કચ્છના ઈતિહાસનું એક રોમાંચક ચરિત્ર છે.

Ram Katha

Vyapar Utsav

Panchang