ભુજ, તા.28 : ઓનલાઇન છેતરપિંડીના વધતા જતા
બનાવો વચ્ચે ખાવડાના તબીબ પણ આ સાયબર ઠગોનો ભોગ બન્યાનું સામે આવ્યું છે.મૂળ ગીર સોમનાથના
હાલે એકાદ માસથી ખાવડામાં ધુવા હેલ્થકેર ચલાવતા તબીબ કનકસિંહ વજેસિંહ મોરીએ આજે ખાવડા
પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.4/11ના તેમણે પોતાના મોબાઇલમાં જિઓ હોટસ્ટાર પર ક્રિકેટ મેચ માટે
ગૂગલ-પેથી ઓટો-પે કર્યું હતું.તે બંધ કરાવવા ઓનલાઇન નંબર મેળવી ફોન કર્યો હતો અને
સામેવાળાએ હિન્દીમાં કહ્યું કે, હું તમારા
એકાઉન્ટમાંથી ઓટો-પે બંધ કરાવી દઉં છું.આ બાદ વીડિયો કોલ આવ્યો અને ગૂગલ-પે ખોલવા
કહેતાં ફરિયાદીએ તેમ કર્યું હતું.
આ બાદ તા.6/11ના સવારે કુલ પાંચ ટ્રાન્ઝેકશન
થયા હતા અને કુલે મળીને રૂા.1,40,498 કપાઇ
ગયા હતા.આથી ફરિયાદીએ તુરંત બેન્કમાં ફોન કરી એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું.આમ ફરિયાદીનો
મોબાઇલ હેક કરી ઓનલાઇન ઠગબાજોએ અલગ-અલગ યુપીઆઇ આઇડીથી નાણાં સેરવી લીધાની ફરિયાદ નોંધાવતાં
પોલીસે ફરિયાદ દાખલ કરી છાનબીન આદરી છે.