• રવિવાર, 29 નવેમ્બર, 2026

કંડલામાં લાઇનમાંથી 18 લાખની તેલચોરીનો પ્રયાસ

ગાંધીધામ, તા.28 : કંડલા સ્થિત સી.આર.એલ.ટર્મિનલ યુનિટ-3ની સામે સી.આર.એલ. -3 (એફ.ઓ.સી.ટી.) વાલ્વ જંક્શનમાં 14 ઇંચની નવી કેમિકલ લાઇનના વાય પીસમાંથી પ્લેટ કાઢી હોઝપાઇપ જોડી ટેન્કરમાં હાઇડ્રોકાર્બન ઓઇલની ચોરી અંગે ફરિયાદ નોંધાઇ હતી.તેલચોરોએ રૂા.18,09,600નું ઓઇલ ચોરીને નાસે તે પહેલાં એલ.સી.બી.ની ટીમે ત્યાં પહોંચીને ચોરીના બનાવને બનતા અટકાવ્યો હતો.એલ.સી.બી.ની સતર્કતાને કારણે મોટો બનાવ બનતા અટક્યો હતો.આદિપુરમાં રહેતા અને કંડલાની એઝીસ વોપેક ટર્મિનલ યુનિટ-3માં સહયાક ઇજનેર તરીકે કામ કરતા અવિનાશકુમાર આનંદ તિવારીએ આ બનાવ અંગે કંડલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.કંડલાની જેટી નંબર પાંચ ઉપર એમ.ટી.વોલ્ગા નામનું જહાજ હાઇડ્રોકાર્બન ઓઇલ ભરીને આવ્યું હતું અને ગઇકાલે બપોરથી તેનું અનલોડિંગ તથા સંગ્રહનું કામ ચાલી રહ્યું હતું, જેથી આ ફરિયાદી રાત પાળીમાં પણ હાજર હતા.આ કંપનીની લાઇનમાંથી ચોરી કરાતી હતી, ત્યારે કંપનીની સિક્યુરિટીની ગાડી જોઇ તેલચોરો સામાન મૂકીને નાસી ગયા હતા.દરમ્યાન એલ.સી.બી.ની એક ટીમ કંડલા પેટ્રોલિંગમાં હતી.આ ટીમ સી.આર.એલ.-3 (એફ.ઓ.સી.ટી.) વાલ્વ જંક્શન પાસે પહોંચતાં અમુક શખ્સો હોઝપાઇપ લગાવીને લાઇનમાંથી ચોરી કરતા હોવાનું જણાયું હતું.દરમ્યાન કંપનીના સંચાલકોને જાણ કરાતાં ફરિયાદી સહિતના લોકો ત્યાં દોડી આવ્યા હતા.ઓઇલ લોડિંગું કામ ચાલુ હતું તે ત્વરિત બંધ કરાવાયું હતું.તેલચોરોએ લાઇનમાં 30-30 મીટર જેટલી લંબાઇના હોઝપાઇપ લગાવી લાઇનની બાજુમાં પાના, નટબોલ્ટ, ફ્લેઝ રિડયુસર તથા એક ટેન્કર નંબર એન.એલ.06-એ.9231વાળું પણ મળી આવ્યું હતું.આ ટેન્કરમાં પાછળના ભાગે જય દ્વારકાધીશ, જય બજરંગબલી, જય શ્રીરામ, અંગ્રેજીમાં યાદવ તથા એસ.એસ.ટેંક વગેરે લખાણ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.આ ટેન્કરમાં તેલચોરોએ રૂા.18,09,600ના 30,160 કિલો તેલની ચોરી કરી લીધી હતી.બનાવ અંગે કંડલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, જેની આગળની તપાસ એલ.સી.બી.એ હાથ ધરી છે.જેટી પરથી ટર્મિનલમાં માલ લોડિંગ થઇ રહ્યો હતો, ત્યારે ચોરી કરાઇ હતી, ત્યારે આ પ્રકરણમાં અંદરનો કોઇ માણસ તથા તેલચોરીમાં માથાભારે શખ્સો સંડોવાયેલા હોવાની શક્યતા દર્શાવાઇ રહી છે.લાંબા સમય સુધી કંડલામાં તેલચોરી બંધ રહ્યા બાદ ફરીથી તેલચોરીનો સળવળાટ થતાં આવા કાંડ પાછળ કોણ-કોણ છે ? તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા.આવા બનાવોથી બારૂદના ઢગલા પર બેઠેલા ગાંધીધામવાસીઓમાં ચિંતાની લાગણી પ્રસરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang