• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અભદ્ર ભાષા પર લગામ લાગશે ?

લોકસભામાં ચંદ્રયાન મિશનની સફળતા અંગેની ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બહુજન સમાજ પક્ષના દાનિશ અલી સામે કરેલી અપમાનજનક ટિપ્પણીના મુદ્દે ગંભીર વિવાદ થયો છે. બિધૂડીએ દાનિશ અલીને આતંકવાદી-ઉગ્રવાદી ગણાવ્યા હતા અને ગાળો પણ ભાંડી હતી. વિપક્ષે ભાજપના સાંસદને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. ચૂંટણીની હવા જેમ જેમ જામી રહી છે, નેતાઓની ભાષા પણ ઉગ્ર અને બેફામ થતી જાય છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ભાજપના બિધૂડીની બિનસંસદીય ભાષાનો ભારે વિરોધ કર્યો છે. બીજી બાજુ તામિલનાડુના પ્રધાન પાસેથી દેશની સર્વોચ્ચ અદાલતે જવાબ માગ્યો છે. જવાબદાર સંસ્થાઓ અને જવાબદાર નેતાઓના નિંદનીય નિવેદનોની નોંધ તો લેવી પડશે, જો નેતાઓને રોકવામાં નહીં આવે તો આમ જનતામાં સામાન્ય બોલચાલનું સ્તર પણ દિવસોદિવસ ઊતરતું જશે. દુ:ખદ અને શરમજનક છે કે, સંસદમાં કોઈ પણ સભ્યોને ધર્મના આધાર પર આતંકવાદી ગણાવવામાં આવે. બસપાના સાંસદ દાનિશ અલીએ લોકસભાના સ્પીકરને લેખિત ફરિયાદ કરી છે, જ્યારે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાના સાંસદ રમેશ બિધૂડીને કારણ બતાવો નોટિસ આપી સારું ઉદાહરણ આપ્યું છે. લોકતંત્રની ગરિમાને બચાવવા માટે બધા પક્ષોએ આ બાબત સક્રિય બનવાનું રહેશે, કારણ કે, દરેક પક્ષમાં બિધૂડી જેવા નેતા છે. તામિલનાડુના પ્રધાન ઉદયનિધિ સ્ટાલિન તો કંઈક વધુ મર્યાદા વટાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સનાતન ધર્મ પર ટિપ્પણને લઈ હાલમાં જ ઉદયનિધિ તથા તામિલનાડુ સરકારને નોટિસ પણ આપી છે. મદ્રાસના એક વકીલની જનહિતની અરજીમાં મુખ્ય પ્રધાનના પુત્ર વિરુદ્ધ એફઆરઆઈ નોંધવવાની માગ કરવામાં આવી છે. કોઈ પણ ધર્મની સરખામણી કોરોના, મલેરિયા અને ડેન્ગ્યુથી કરવી સભ્યતાના કયા ધર્મપુસ્તક અનુરૂપ છે ? આ કેવી ધર્મનિરપેક્ષતા છે ?  લગભગ 56 વર્ષથી તામિલનાડુમાં સતત શાસન છતાં જો દ્રવિડ આંદોલનને સનાતન પર હુમલાખોર બનવું પડે છે, તો આ ફક્ત દયાનો વિષય છે. નફરતની આવી રાજનીતિને દરેક સ્તર પર રોકવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang