મોટા લાયજા (તા. માંડવી),
તા. 10 : એક સમયે કચ્છનો
વરસાદ `મંઢો મીં' કહેવાતો લંગડાતી ચાલે કચ્છમાં પહોંચે તે પહેલાં
તો કચ્છના લોકોની આંખોમાં પાણી પણ સૂકાઇ ગયાં હોય છે ! મેઘરાજાની કચ્છ પ્રત્યેની રીસનો
આગવો અને દુષ્કર ઇતિહાસ રહ્યો છે. છેલ્લા 80ના દાયકાની શરૂઆત સુધી જન્મેલી પેઢીને કચ્છના દુષ્કાળની વેદનાનો
સાક્ષાત્કાર થયેલ છે. ચાલુ વર્ષે ખેંચાતા વરસાદે જગતના તાત અને માલધારીની ચિંતામાં
વધારો કર્યો છે. છેલ્લા વર્ષોમાં વધતા વરસાદે ખેતી અને પશુપાલન પ્રવૃત્તિનો સારો એવો
વિકાસ થતાં આ ક્ષેત્રે રોકાણ વધ્યું છે, ત્યારે ચાલુ સાલે આભના રૂસણાંથી પરિસ્થિતિ થોડી વિકટ બને એવા એંધાણ છે. ઘાસચારો
અને તળાવોમાં જળ ખૂંટયા છે. પશુધનની પાંસળીના હાડકાં ગણી શકાય તેવો સિનારિયો કરુણા
ઉપજાવે છે. ધરતીના ધણીને હવે તો એક જ પ્રાર્થના કે, કચ્છ ઉપરની
રીસ છોડીને મન મૂકીને હેત વરસાવે. હવે, આષાઢી બીજ કોરી ન જાય
તેવી પ્રાર્થના કરીએ. કારણ કે જેઠ કોરો જાય તેનો ખીલો કે ખટકો નહીં, પણ અષાઢનો એક એક દિ' વસમો લાગે વેરડા !