પ્રયાગરાજ, તા.10 : સંપત્તિ સંબંધિત વિવાદ અને
ગેરકાયદે કબજા વિશે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા એક મોટો ફેંસલો આપવામાં આવ્યો છે. ન્યાયાલય
દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ કોઈ મકાન કે જમીન ઉપર લાંબો સમયથી રહેતો હોય પણ તે પોતાનાં
જૂના માલિકોનાં નામે જ વીજળીનાં બિલ કે મકાન વેરો જમા કરાવતો હોય તો તેનાં આધારે આવી
સંપત્તિ ઉપર પોતાના માલિકી હકનો કે ગેરકાનૂની કબજાનો દાવો કરી શકાય નહીં. ફક્ત બિલ
કે વેરા ભરવાથી કોઈ મકાનનું માલિક બની જતું નથી. કોર્ટે કહ્યું હતું કે, જ્યારે સંબંધિત જમીન કે મકાન ઉપર રહ્યાં પછી પણ કોઈ વ્યક્તિ જૂના માલિકોનાં
નામે જ વેરા અને બિલ ભરતી હોય ત્યારે તે એ પણ સ્વીકારી રહ્યાં છે કે, સંપત્તિનાં અસલી માલિક જેનાં નામે બિલ ભરવામાં આવી રહ્યાં છે તે જ છે. આ કેસ
ગાઝિયાબાદનો હતો. જેમાં ભાડૂત વ્યક્તિ અને તેનો પરિવાર 1996થી એક મકાનમાં રહેતા હતાં અને
જ્યારે મકાન માલિકે તેને ઘર ખાલી કરવા કહ્યું ત્યારે તેનાં તરફથી ઈનકાર કરી દેવામાં
આવ્યો હતો. ભાડૂઆતનો દાવો હતો કે, તે વર્ષોથી
વીજળી બિલ અને મકાન વેરો ભરે છે. જેનાં હિસાબે તે કાયદાકીય રીતે મકાનનાં માલિક બની
જાય છે. જો કે અદાલતે સ્પષ્ટ કર્યુ હતું કે, માત્ર બિલ ભરવાથી
કોઈ મકાનનું માલિક બની જતું નથી.