ગાંધીધામ, તા. 10 : અંજાર તાલુકાના નિંગાળ ગામમાં
એક મકાનની પાછળ ખાડો ખોદી તેમાં દારૂ સંતાડાયો હતો. પોલીસે આ ખાડામાંથી રૂા. 1,07, 586નો શરાબ જપ્ત કરી ત્રણ શખ્સો
સામે ગુનો નોંધ્યો હતો. અંજારની સ્થાનિક પોલીસ ગઇકાલે રાત્રે પેટ્રાલિંગમાં હતી. આ
ટીમ નિંગાળ ગામમાં પહોંચતાં અહેમદ સલીમ કેવર, હમજા સલીમ કેવર તથા જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો વાઘેલા નામના શખ્સોએ ભેગા મળીને
અહેમદનાં મકાન પાછળ અંગ્રેજી દારૂ સંતાડયો હોવાની પૂર્વ બાતમી મળી હતી. પોલીસ મોડું કર્યા વગર અહેમદના ઘરની
પાછળ પહોંચી હતી. આ જગ્યાએથી આ ત્રણેય આરોપી હાજર તો નહોતા મળ્યા, પણ મકાન પાછળ ખોદેલો ખાડો તપાસ કરાતાં તેમાંથી શરાબની પેટીઓ નીકળી પડી હતી.
આ પેટીઓ જપ્ત કરી પોલીસ મથકે લઇ જઇ તેની ગણતરી કરવામાં આવી હતી. જેમાં વાઇટલેસ જામુન
વોડકા 180 મિ.લિ.ના 144 કવાર્ટરીયા, 8 પી.એમ.ના
48 કવાર્ટરિયા, ગ્રીન લેબલ 750 મિ.લિ.ની 90 બોટલ, કિંગફિશર બિયરના 192 ટીન તથા ગ્રીનલેબલ બરેલનાં 96 કવાર્ટરિયા એમ કુલ્લ રૂા. 1,07,586નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. ગઇકાલે પણ જયેન્દ્રસિંહ ઉર્ફે
લાલાનો દારૂ ઝડપાયો હતો પણ પોતે હાથમાં આવ્યો ન હતો. આ બનાવમાં આરોપીઓને પકડી પાડવા
આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.