નખત્રાણા, તા. 29 : અહીંના ઓ.સી.પી. માર્કેટમાં
સોનલ ટ્રેક્ટરના ફાર્મ ટેક શો-રૂમમાં નોકરી કરતા મૂળ ઝૂરાના હાલે મથલ રહેતા કુલદીપ
જેન્તીલાલ ઓઢાણા (ઉ.વ. 22)ને ગઇકાલે
સાંજે શો-રૂમમાં કામ કરતી વેળાએ શોર્ટસર્કિટથી શોક લાગતાં તેનું કરુણ મોત થતાં વિસ્તારમાં
અરેરાટી ફેલાઇ છે. શો-રૂમની બેદરકારી અંગે ફરિયાદ ન લેવાતાં આગેવાનોએ લાશ લેવાનો ઈન્કાર
કરી હોબાળો કર્યો હતો. અંતે બેદરકારીનો ગુનો નોંધાતાં સ્થિતિ થાળે પડી હતી. આ ઘટનાના
સમાચારના પગલે અ.જા. સમાજના આગેવાનો ઘટના બાદ મૃતક કુલદીપને સરકારી દવાખાને પી.એમ.
માટે લઇ આવેલા. દરમ્યાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ દ્વારા ઘટના
અંગે તપાસ આદરવામાં આવતાં પ્રથમ ગ્રાસે પોલીસે અકસ્માતના બનાવ તરીકે કાર્યવાહી કરતાં
સામે અ.જા. સમાજના હાજર આગેવાનોએ ટ્રેક્ટરના શો-રૂમની બેદરકારીને લીધે શોર્ટસર્કિટના
કારણે યુવાનનું મોત થયું છે, માટે
ફરિયાદ દાખલ કરવા પોલીસ તંત્રને કહી જ્યાં સુધી મોતના ગુનાની ફરિવાદ દાખલ ન થાય ત્યાં
સુધી સમાજ આગેવાનોએ લાશનો કબજો લેવા ઇન્કાર કર્યો હતો. આ બાદ ફરીથી આજે મૃતકના સંબંધી
સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશને પહોંચી ગુનો દાખલ કરવા આગ્રહ કર્યો હતો. દરમ્યાન ડીવાયએસપી
શ્રી ભગોરા તથા પીએસઆઇ રાજેશ બગડિયાએ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહીની તપાસ કરવાની
ખાતરી આપી હતી. આ ટાંકણે મેઘવંશી મારૂ સમાજના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ નીતિને નોંધાવેલી ફરિયાદના આધારે
આરોપી ફાર્મટેક ઓથોરાઈઝ્ડ ડીલર સોનલ ટ્રેક્ટર્સ શો-રૂમના માલિક હરેશદાન ગઢવી સામે બેદરકારી
અંગેનો ગુનો દાખલ થયો હતો. સ્થિતિ થાળે પડતાં લાશનો કબજો લીધો હતો.