ભુજ, તા. 29 : દહીંસરા ગૌવંશ પ્રકરણમાં મુસ્લિમ
અને હિન્દુ સંગઠનની પ્રતિક્રિયાઓથી આ મામલો વધુ પેચીદો બન્યો છે. બીજી તરફ માનકૂવાના
પીઆઇએ આ મામલે પોલીસની ગંભીરતાપૂર્વક છાનબીન ચાલુ હોવાનું જણાવ્યું છે. દહીંસરાના વાડામાંથી
એક કતલ કરાયેલા ગૌવંશ સાથે 85 જીવંત નાના-મોટા
ગૌવંશ સાથે બે ભાઇને માનકૂવા પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ બાદ વેકરા-ધુણઇ
માર્ગની વાડીમાંથી વાયરચોરીના પ્રયાસમાં દિનેશ કોળી નામના શખ્સને લોકોએ ઝડપી પાડયો
હતો. આ દિનેશ અન્ય ત્રણ સાથે મળી ગૌવંશની હત્યા કરી જે-તે વાડામાં નાખી દેવાનો વીડિયો
વાયરલ થતા મામલો વધુ ઘેરો બન્યો હતો. આ મુદ્દે ગઇકાલે ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ
ટ્રસ્ટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી આ પ્રકરણમાં નિર્દોષ માલધારી યુવાનોને
ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આથી તટસ્થ તપાસ કરી કાવતરાખોરો સામે કાર્યવાહી કરવા
માંગ ટ્રસ્ટના પ્રમુખ હાજી મોહમ્મદભાઇ આગરિયાએ કરી છે. તેમની સાથે ટ્રસ્ટના અગ્રણી
અને મુસ્લિમ આગેવાનો જોડાયા હતા. બીજી તરફ આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઇલેક્શન
કમિટીના સભ્ય અને કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી એવા હાજી જુમા રાયમાએ પણ અલગથી પશ્ચિમ
કચ્છના પોલીસવડાને આ બનાવની તટસ્થ તપાસ કરવા માંગ કરી છે. દરમ્યાન આ પ્રકરણમાં આજે
હિન્દુ યુવા સંગઠન ભારત તરફથી એક પત્રકાર પરિષદ બોલાવાઇ હતી, જેમાં પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું
કે, એક ટોળું યુવાનને માર મારી તેની પાસેથી ખોટી કબૂલાત કરાવે
અને તેના વીડિયો વાયરલ થાય તે ન્યાયોચિત નથી. શું કોર્ટનું કામ ટોળાએ કરવું જોઇએ
? કચ્છમાં થતી ગૌહત્યાના મામલામાં પોલીસ અને અદાલતો કાર્યવાહી કરે છે,
ત્યારે તેમના જુસ્સાને ડામવા થતા આવા પ્રયાસો સાંખી લેવાય નહીં. આના
પાછળ પણ કોઇની ભૂમિકા હોય તો તેનો પર્દાફાશ થવો જોઇએ, આમ તેમણે
પણ તટસ્થ તપાસની માગણી છે. બીજી તરફ આ સમગ્ર મામલે માનકૂવાના પીઆઇ કે.એમ. ગઢવીનો સંપર્ક
કરતાં તેમણે જણાવ્યું હતું કે, દિનેશ અને ભરતની પ્રાથમિક પૂછતાછમાં
ટોળાંના ભયથી તેઓએ ગૌવંશ હત્યા અંગેની કબૂલાત કરી હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત સાયન્ટિફિક
તપાસ પણ ચાલી રહી છે. આમ પોલીસ આ મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું
છે.