ગાંધીધામ, તા. 29 : અંજાર તાલુકાના વરસામેડી નીલકંઠ
સોસાયટી પાછળ અંબિકા નગરમાં એક બંધ ઘરમાં કોઇ પણ રીતે ઘૂસી તસ્કરોએ રૂા. 1,80,000ના દાગીના તફડાવી લીધા હતા.
વરસામેડી અંબિકા નગર મકાન નંબર 19માં ગત તા.
26/3ના આ બનાવ બન્યો હતો. અહીં
રહેનાર ફરિયાદી પ્રિયાબેન વિજય યાદવ પોતાના દીકરી,
દીકરાને ઘરે મૂકી ભજનમાં ગયા હતા. ત્યાંથી પરત આવતાં ઘરની ચાવી પગથિયાં
નીચે બૂટમાંથી કાઢી ઘર ખોલ્યું હતું. બાદમાં આ મહિલા પાડોશી મહિલાઓ અને પોતાનાં બાળકો
સાથે શાંતિધામમાં શાકભાજી લેવા ગયા હતા. ત્યાંથી પરત આવી ઘરમાં જતાં પેટીપલંગની ચાદર
વેરવિખેર જણાઇ હતી. પેટીપલંગ ખોલી અંદર જોતાં દાગીના રાખેલી બેગ ગુમ જણાઇ હતી. કોઇ
રીતે અંદર ઘૂસેલા તસ્કરોએ સોનાંના ઝૂમખા, કાનમાં પહેરવાની બાલી,
કાનમાં પહેરવાની એરિંગ, સોનાંની વીંટી,
મંગળસૂત્ર, નાકમાં પહેરવાના એરિંગ, ચાંદીના પાંચ પાયલ, વીંટી નંગ-1, પગમાં પહેરવાની વીંટી નંગ-16, બાળકના ચાર કડા એમ કુલ રૂા.
1,80,000ની મતાની તસ્કરી કરી હતી. બે
દિવસ પહેલાંના આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.