મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 29 : નખત્રાણા
તાલુકાની આણંદસરમાં આવેલી પ્રા. શાળાના ઓરડાઓ
જર્જરિત હાલતમાં હોવાથી બાળકો શાળાનાં પ્રાંગણમાં આવેલા ખુલ્લા પતરાંના શેડમાં અભ્યાસ
કરે છે. શાળા નવી બને અને શિક્ષકોની નિમણૂક થાય એવી માંગ કરાઈ છે. 1959માં બનેલી આ શાળાના ઓરડા 2018થી જર્જરિત હાલતમાં છે, આ બાબતે એસ.એમ.સી.ના સભ્યો, શાળાના આચાર્ય તેમજ ન્યાય
સમિતિના ચેરમેન દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં નવા ઓરડાની મંજુરી અપાઈ નથી.
કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે શિક્ષકો બાળકોને ખુલ્લા શેડમાં અભ્યાસ કરાવે છે એવુ
આણંદપર ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કરશનભાઈ સીજુએ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ શાળામાં ફક્ત એક જ શિક્ષક ધો 1થી 5ના વિદ્યાર્થીઓને
અભ્યાસ કરાવે છે. શિક્ષક એ જ આચાર્ય એમ બેવડી
જવાબદારી નિભાવે તેથી શિક્ષકની નિમણૂક જરૂરી હોવાનુ ઉમેર્યું હતું. આણંદસર. પ્રા. શાળાના
વિદ્યાર્થીઓનાં ભવિષ્યને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે શિક્ષકની નિમણૂક અને શાળાનું
પુન:નિર્માણ કરાય તેવું યાદીમાં જણાવાયું હતું.