• સોમવાર, 30 માર્ચ, 2026

યજ્ઞથી શાંતિ-સચેત અવસ્થાનું નિર્માણ થાય છે

ગાંધીધામ, તા. 29 : યજ્ઞ એ ઋષિ પરંપરામાં ભૌતિક નહીં પણ આધ્યાત્મિક વિધિ હતી. ઋષિઓના આશ્રમોમાં સવાર-સાંજ યજ્ઞ થતા હતા. યજ્ઞથી સાધકના શાંતિ અને સચેત અવસ્થાનું નિર્માણ થતું હોવાનું સદ્ગુરુ સદાફલદેવ વિહંગન યોગ સંસ્થાન તથા અગ્રવાલ સમાજ આયોજીત 1008 કુંડીય યજ્ઞમાં સંત પ્રવર વિજ્ઞાનદેવ મહારાજે સ્વવેદ કથામાં જણાવ્યું હતું. તેમણે આ વેળાએ કહ્યું હતું કે, આપણી સંસ્કૃતિ ઋષિઓની સંસ્કૃતિ છે. યજ્ઞ વૈદિક કાળથી ચાલ્યો આવે છે ત્યારે તે દિનચર્યામાં સામેલ હતો. વિશ્વ શાંતિ, લોકોના કલ્યાણ, સુખાકારી માટે યજ્ઞ આવશ્યક, અનિવાર્ય બની ગયું છે. તેનાથી માનવીમાં રહેલા આંતરિક પ્રદૂષણ, મનોરોગ ઘટે છે અને તે આનંદિત બને છે. અગ્નિને પાણીથી ઓલવી શકાય છે પણ તેને નમાવી શકાતી નથી. અગ્નિ હંમેશાં ઉપરની તરફ જાય છે. સૌના કલ્યાણ અર્થે યોજાયેલા આ 1008 કુંડીય યજ્ઞ પહેલા સદ્ગુરુએ ઉપસ્થિત સૌ સાધકોને ધ્યાન કરાવ્યું હતું. તેમજ ગાયત્રી મહામંત્રથી નમન ગૂંજી ઊઠયું હતું. આ ધ્યાનનો પ્રયોગ દરરોજ પોતે કરવો અને અન્યોને પણ કરાવવા સંત પ્રવરે જણાવ્યું હતું. સાધનાના અભ્યાસથી મસ્તિષ્કમાં આલ્ફા તરંગો વધતા હોવાનું તેમણે ઉમેર્યું હતું. કાશીથી અહીં પધારેલા સદ્ગુરુ આચાર્ય સ્વતંત્ર મહારાજએ યજ્ઞથી તણાવ વગેરે દૂર થાય છે. સંસારમાં જે પણ શુભ કાર્ય છે તેમાં ઉત્તમ યજ્ઞ છે. સ્વર્ગમાં જવાની અપેક્ષા રાખનાર પ્રતિદિન યજ્ઞ કરે છે. યજ્ઞમાં નીકળતા ધૂમાડા એ આયુર્વેદિક જડીબુટી અને ઔષધિય છે. અમૃત છે તે શરીરમાં જાય ત્યારે શરીર શુદ્ધ બને છે. રોગ દૂર થાય છે. તે સારા, શુભ વિચાર પ્રકટ કરે છે અને સારા સંસ્કાર જીવનમાં ઉતરે છે. કાશીમાં બે વખત 25,000 કુંડીય યજ્ઞનું આયોજન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વેળાએ બંને સદ્ગુરુ તથા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, આયોજન ધવલ આચાર્ય, સુરેશ ગુપ્તા, સમીર ગર્ગ વગેરે દ્વારા દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાયો હતો. 1008ની જગ્યાએ 2000ની નોંધણી થઇ ગઇ હોવાનું આ વેળાએ જણાવાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવી-મુંદરાના ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, પ્રકાશ આનંદ મહારાજ, રામકરણ મહારાજ, સરહદ ડેરીના વલમજીભાઇ હુંબલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, સંઘના પદાધિકારી સવજીભાઇ ખેતાણી વગેરે ઉપસ્થિત રહી સદ્ગુરુઓના આશિર્વાદ મેળવ્યા હતા. ધવલ આચાર્યસમીર ગર્ગ, સુરેશ ગુપ્તા, નંદલાલ ગોયલ, સંતોષ ગોયલ, ભીખુભાઇ અગ્રવાલ, મહેશ પોદાર, સ્નેહીલાલ ગોયલ, જતીન અગ્રવાલ,પૂજાબેન ઠક્કર, સંજય ગર્ગ, ભગવાનદાસ ભાર્ગવ, ડો. ભૂપેન્દ્ર, ગોપાલ જાંગીડ,વીરેન્દ્ર આર્યવ્રત, શ્યામસુંદર અગ્રવાલ વગેરેએ આયોજનને સફળ બનાવવા સહકાર આપ્યો હતો. સંચાલન મોમાયાભા ગઢવીએ કર્યું હતું. 

Panchang

dd