નવી દિલ્હી, તા. 19 : આંકડાનાં
હિસાબે દુનિયાનો સૌથી મોટા ડેટા લીકનો ઘટસ્ફોટ થયો છે. વોટ્સએપની માલિક કંપની મેટાની
એક ભૂલનાં વાંકે વોટ્સએપનાં 3.પ અબજ વપરાશકારોની
ગોપનીયતા જોખમાઈ ગઈ છે. જે પૈકી સૌથી વધુ નંબર ભારતીયોના હોવાનો પણ દાવો થયો છે. વોટ્સએપ
ઉપર અવારનવાર એક અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવે જેમાં કોઈ લોભામણી લાલચ અથવા નોકરીની
ઓફર જોવા મળી જાય છે. આપણને સવાલ થાય છે કે, આ મોકલનારને આપણો નંબર મળ્યો ક્યાંથી અને કેવી રીતે? જો કે આ સવાલને આપણે ગંભીરતાથી ન લેતા અવગણી નાખીએ છીએ પણ હવે નવેમ્બર 202પમાં બહાર આવેલા એક સંશોધનમાં
આ સવાલનો જવાબ મળી ગયો છે અને તે ડરામણો છે. દુનિયાભરનાં વોટ્સએપ યુઝર્સનાં નંબર લીક
થઈ ગયા હોવાનો ખુલાસો થયો છે છેક 2017થી આવી ગંભીર પરિસ્થિતિ હતી. પણ મેટાએ તેની અવગણના કરી વોટ્સએપની
આખી મેમ્બર ડિરેક્ટરી ઓનલાઈન અને અસલામત પડી રહી હતી અને ડાર્ક વેબ ઉપર તે ખુલ્લેઆમ
વેચાતી પણ રહી. ઓસ્ટ્રેલિયાનાં વિશ્લેષકોએ દાવો કર્યો છે કે, આમાં વોટ્સએપનાં સાડા ત્રણ અબજ યુઝર્સનાં ફોન
નંબર અને પ્રોફાઈલનો અન્ય ડેટા ડાઉનલોડ કરી શકાતો હતો. કેમ્બ્રિજ એનાલિટીકા ડેટા લીક
હજી કોઈ ભૂલ્યું નથી. માટે એ કહેવું યોગ્ય રહેશે કે મેટા અને ડેટા ફૂટવા વચ્ચે જૂનો
નાતો છે ત્યારે પણ કંપનીએ એવું કહીને હાથ ખંખેરી નાખ્યા હતાં કે ત્રાહિત પક્ષ તરફથી
આ ડેટા ફોડવામાં આવ્યો છે. મેટાએ એવો પણ બચાવ કર્યો હતો કે સમસ્યા ઉકેલાઈ ગઈ હતી અને
તમામ યુઝરનો ટેડા સુરક્ષિત છે. આમાં અચંબિત કરનારી બાબત તો એ છે કે, 2017માં મેટાને વોટ્સએપ ડેટાની
આ ખામી વિશે જાણકારી આપી દેવામાં આવી હતી. સંશોધકોનું કહેવું છે કે, અત્યાર સુધીમાં આ ફૂટેલા ડેટાનો અપરાધીઓએ ભરપૂર
ઉપયોગ પણ કરી નાખ્યો હશે. વિએના યુનિવર્સિટીનાં
સુરક્ષા સંશોધકોએ તાજેતરમાં એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને તેનાંથી મેટાનાં વડામથકમાં
ખળભળાટ મચી ગયો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વોટ્સએપની
સિસ્ટમમાં એક પાયાગત અને ખતરનાક ખામી છે. તેને ટેકનિકલ ભાષામાં કોન્ટેક્ટ ડિસ્કવરી
ફ્લો કહેવામાં આવે છે. વોટ્સએપનાં આ ડેટા લીકનાં કારણે જ સંભવત: ભારતમાં ડિજીટલ એરેસ્ટથી
લઈને અન્ય લલચામણી જાહેરાતોથી લોકો સાથે છેતરપિંડી સહિતનાં અપરાધનો રાફડો ફાટી નીકળ્યો
છે. લોકોનો ડેટા બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે અને તેને મેળવીને જ ગઠિયાઓ પોતાની
જાળમાં માછલીઓને ફસાવી રહ્યાં છે. ભારતમાં વોટ્સએપનાં પ0 કરોડથી વધુ વપરાશકારો છે અને આ પ્રકારનાં
ડેટા લીકનો તે સૌથી મોટો શિકાર દેશ પણ છે. મેટાએ પોતાનાં નિવેદનમાં આ વિશે કહ્યું છે
કે, તેમણે આ ક્ષતિને નિવારી લીધી છે. કોઈપણ યુઝરનું
એકાઉન્ટ હેક થયું હોવાની ફરિયાદ નથી. મેટાનું આ નિવેદન થોડી રાહત જરૂર આપે છે કે,
આપણાં નંબર સહિતની જાણકારીઓનો દુરુપયોગ થવાની ધરપત મેટાનાં નિવેદનમાંથી
મળી શકે તેમ નથી કારણ કે લોકોનાં નંબર અપરાધીઓ સુધી પહોંચી ગયા છે.