• બુધવાર, 19 નવેમ્બર, 2025

કોલકાતામાં હારનું કલંક !

કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડનમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં અઢી જ દિવસમાં ભારતના કારમા પરાજયના તીવ્ર પ્રત્યાઘાત જન્મે એ સ્વાભાવિક છે. રમતમાં હાર-જીત સહજ વાત છે, પણ તમે પ્રતિકાર કર્યા વિના, પરાસ્ત થાવ એને ધબડકો જ કહેવો પડે. પ્રવાસી દ. આફ્રિકાની ટીમ પૂરી તૈયારી સાથે આવી છે. તેની પાસેના સ્પિનર ભારત કરતાં ચઢિયાતા પુરવાર થયા. 124 રનનો લક્ષ્યાંક ટેસ્ટ જીતવા માટે મામૂલી જ કહેવાય. પીચ ગમે તેવી હોય. વર્ષે બેથી સાત કરોડનો કોન્ટ્રાક્ટ અને બીજા લાખોનાં ભથ્થાં મેળવતા ક્રિકેટરો પ્રદર્શન ન કરી શકે એ આઘાતજનક છે. કેપ્ટન ગિલ કમનસીબે ઇજાગ્રસ્ત થયો ને બંને દાવમાં બેટિંગ સેવા ન મળી, પણ એ મુદ્દે ભારતની ટીમને કોઇ માફી ન હોઇ શકે. બેટ્સમેનો પ્રતિબદ્ધતા સાથે રમવામાં નિષ્ફળ ગયા. ભારતની આ જ ટીમ અને આ જ ખેલાડીઓએ મોટાં પરાક્રમ કર્યાં છે. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રષણી ડ્રો કરી... તો પછી ઘરઆંગણે શું થયું ? કોચ ગૌતમ ગંભીરે બેટધરોના અભિગમની નિંદા કરી, પણ હેડકોચનું કામ માત્ર આલોચના કરવાનું નથી. ખેલાડીઓ શ્રેષ્ઠ દેખાવ કરે અને ડ્રેસિંગ રૂમમાં ઘડાયેલી વ્યૂહરચનાનો સચોટ અમલ થાય એ જોવાની તેની પહેલી ફરજ છે. આ ટેસ્ટ હાર ટીમની રણનીતિનીય નિષ્ફળતા છે. દ. આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમા આ મુદ્દે વધુ વિચક્ષણ પુરવાર થયો. ત્રીજા દિવસે ભારતે બોલિંગની શરૂઆત બુમરાહને બદલે જાડેજા-અક્ષરથી કરી... પરિણામે દબાણ ઊભું ન થયું... બાવુમા ને જોડીદાર સેટ થઇ ગયા. આ મોટું બ્લન્ડર હતું. ગંભીર અને પંત માર ખાઇ ગયા. આ ટેસ્ટ હારમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. ભારતનાં મેદાનો એક સમર્થ સ્પિનરો માટે સ્વર્ગ લેખાતાં, પણ આપણા બેટધરો ઘરઆંગણે કે બહાર ગુણવત્તાયુક્ત સ્પિન બોલિંગનો સામનો કરવામાં ઉણા ઊતરે છે એ ફરી એકવાર સાબિત થઇ ગયું. આપણી પાસે હવે વર્લ્ડ ક્લાસ ઝડપી બોલરો છે. બુમહારાનો જોટો જડે તેમ નથી. પીચ બધી સ્પોર્ટિંગ બનાવવાને બદલે જીતની લાલચમાં સ્પિન ટ્રેક તૈયાર કરાવ્યો ને ભારત પોતાની જ જાળમાં સપડાઇ ગયું. ઇડન ગાર્ડન એ મેદાન છે, જેના પર 2001માં ઓસ્ટ્રેલિયા સામે વીવીએસ લક્ષ્મણ (281) અને રાહુલ દ્રવિડ (180)એ ફોલોઓન પછી લડાયક બેટિંગ કરી, તેના સહારે ભારતે ન માત્ર પરાજય પાછો ઠેલ્યો બલ્કે શાનદાર જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો. આવાં મહાન મેદાન પર પહેલા જ દિવસથી વિકેટ તૂટવા લાગે, અણધાર્યા ઉછાળ કે બોલ બેસી જાય એ ટેસ્ટ ક્રિકેટનાં હિતમાં નથી. કોચ ગૌતમ ગંભીરે ભલે પીચને રમવા યોગ્ય લેખાવી છે, પણ અનિલ કુંબલે, હરભજનસિંહ, ડેલ સ્ટેન, પૂજારા જેવા ક્રિકેટ નિષ્ણાતોએ તેને રમવા માટે યોગ્ય ન હોવાનું કહીને ટીકા કરી છે. ટેસ્ટ ક્રિકેટ આમ પણ ટી-ટ્વેન્ટી અને લીગ ક્રિકેટનાં દબાણમાં છે. તેની લોકપ્રિયતા તો જ ટકશે જો ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ કે દ. આફ્રિકા જેવાં મેદાન (પીચ) રખાશે. પ્રથમ ટેસ્ટમાં હારથી ભારતની ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સ્થિતિ નબળી પડી છે. 22મીથી ગૌહાતીમાં રમાનારી બીજી ટેસ્ટમાં વાપસીનો ટીમ ઇન્ડિયા પાસે પડકાર છે.

Panchang

dd