• બુધવાર, 19 નવેમ્બર, 2025

મુનીરને `અસીમ' સત્તા

બંધારણમાં 27મા સુધારાને સંસદે આપેલી બહાલીને પગલે પાકિસ્તાનના સર્વસત્તાધીશ બની બેઠેલા આર્મી ચીફ અસીમ મુનીર આજીવન ફિલ્ડ માર્શલ પદે રહેશે. કોઈ પણ લોકતાંત્રિક વ્યવસ્થામાં સંભવ ન બની શકે એવું પગલું મુનીરે નબળી સરકારની મદદથી લીધું છે અને બળવો કર્યા વિના ચૂંટાયેલી સરકાર કરતાં વધુ અને અમર્યાદ સત્તા હસ્તગત કરી લીધી છે. સશસ્ત્ર દળો તથા અન્ય બાબતો વિશેની બંધારણની કલમ 243માં સુધારો કરી મુનીર ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (સીડીએફ) બન્યા છે અને દેશનાં પાયદળ, વાયુસેના અને નૌકાદળના સર્વોચ્ચ સત્તાધીશ બની બેઠા છે. આ સાથે જ સીડીએફને નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડના વડા નીમવાની સત્તા રહેશે. એટલે કે, પાકિસ્તાનના પરમાણુ કમાન પર પણ તેમનું નિયંત્રણ રહેશે. આ ઓછું હોય તેમ, ફેડરલ કોન્સ્ટિટયુશનલ કોર્ટની રચના કરવા સાથે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયામાં ફેરફાર કરવાના અધિકાર પણ તેમને રહેશે. સર્વોચ્ચ અદાલતનું પણ તેમણે વિભાજન કર્યું છે. પાકિસ્તાનમાં હવે બે ચીફ જસ્ટિસ હશે. જો કે, એ સ્પષ્ટ નથી કે દેશના ખરા મુખ્ય ન્યાયાધીશ કોણ હશે. પાકિસ્તાને છેલ્લા સાત દાયકામાં એકથી વધુવાર આર્મીના વડાને સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લઈ લેતા જોયા છે, પણ મુનીરે જે રીતે બળવો કર્યા વિના સર્વ સત્તા પોતાના હસ્તક લઈ લીધી છે એ અભૂતપૂર્વ છે. મુનીરને બાજિંગનું પીઠબળ પહેલેથી છે અને વાશિંગ્ટનના સતત બદલાતા અભિગમને પગલે ભારતની ચિંતા વધી છે. ઝિયા ઉલ હકે આર્મીની મદદથી બળવો કરી વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ધરપકડ કરાવી 1977માં પાકિસ્તાનની સત્તા હસ્તગત કરી હતી તથા મિલિટરીની બાબતોમાં ન્યાયતંત્રના હસ્તક્ષેપને અટકાવ્યો હતો. મુનીરે પણ આ બધું જ કર્યું છે, ફરક માત્ર એટલો છે કે, બળવો કર્યા વિના કે વડાપ્રધાનને સત્તા પરથી ઊથલાવ્યા વિના તેમણે આ હાંસલ કર્યું છે. મુનીરે બાહોશ અને અઠંગ રાજકારણીને શરમાવે એ રીતે આખી બાજી ગોઠવી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ પાસે મુનીરના ઈશારે ચાલવા સિવાય કોઈ વિકલ્પ નથી, પણ દેશના રાષ્ટ્રપતિ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના આસીફ અલી ઝરદારી આ યોજનામાં ફાચર ન મારે એ માટે મુનીરે એવો ફેરફાર કરાવ્યો છે કે, રાષ્ટ્રપતિ સામે આજીવન કાયદાકીય પગલું લઈ શકાય નહીં. અત્યાર સુધી વ્યક્તિ આ પદ પર હોય એ દરમિયાન જ આ ઈમ્યુનિટી મળતી હતી. આ સાથે જ ફિલ્ડ માર્શલના પદ પરની વ્યક્તિને રાષ્ટ્રપતિ જેવા વિશેષાધિકાર આજીવન મળે એવું પણ કર્યું છે. ભુટ્ટોને ઊથલાવી ઝિયા સત્તા પર આવ્યા ત્યારે લોકપ્રિય નેતૃત્વને હટાવવાને કારણે વિરોધ થયો હતો, પણ મુનીરે પાકિસ્તાનના નબળા અને કૌભાંડી રાજકારણીઓને ટુકડા ફેંકી ખંડિયા બનાવી નાખ્યા છે. ઈમરાન ખાન જેલમાં છે અને તેમના રાજકીય પક્ષને પહેલાં જ પાંગળો કરી દેવાયો હોવાથી મુનીરનાં પગલાંના વિરોધની શક્યતા આછીપાતળી છે. પાકિસ્તાનમાં લોકશાહી મૂલ્યોનું આ નવું તળિયું છે અને ભવિષ્યમાં તે હજી વધુ નીચે જાય તો આશ્ચર્ય નહીં રહે.  

Panchang

dd