ગાંધીધામ, તા. 19 : આદિપુરના વોર્ડ નં. 6-એ વિસ્તારમાં એસઆરસીનાં મેદાન પાસેથી એક
શખ્સને એસઓજીએ પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી રૂા. 2,74,800નું 13.74 ગ્રામ હેરોઇન
જપ્ત કરવામાં આવ્યું હતું. ગાંધીધામના ખન્ના માર્કેટ વિસ્તારમાં ખાટલો ઢાળીને એમ.ડી. ડ્રગ્સ વેંચતા શખ્સને પોલીસે
પકડી પાડયા બાદ આદિપુરમાં પણ માદક પદાર્થ ઝડપાતાં આ સંકુલમાં કેટલી હદે આવા માદક પદાર્થ
વેચતા હશે તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ને મળેલી પૂર્વ બાતમીના
આધારે આજે રાત્રે આદિપુરના વોર્ડ 6-એમાં એસ.આર.સી.નાં મેદાન નજીક વોચ ગોઠવવામાં આવી હતી. તેવામાં
આદિત્ય સોસાયટી મેઘપર બોરીચીનો દિનેશ તારારામ
સોલંકી દેખાતાં તેને પકડી પાડી તેની તલાશી લેવામાં આવી હતી, દરમ્યાન આ શખ્સ પાસેથી નશીલો પદાર્થ મળ્યો હતો. અફએસએલ અધિકારીને બોલાવી
આ નશાનું પૃથક્કરણ કરાતાં તે મોંઘા પ્રકારનો હેરોઇન હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સ
પાસેથી પોલીસે રૂા. 2,74,800નું
13.74 ગ્રામ હેરોઇન, મોબાઇલ, આધારકાર્ડ વગેરે
જપ્ત કર્યું હતું. તેને આ નશો પંજાબનો કુલદીપસિંઘ નામનો શખ્સ આપી ગયાનું બહાર આવ્યું
હતું. તેને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડામાં એસઓજી પી.આઇ.
ડી. ડી. ઝાલા સાથે સ્ટાફના વીરેન્દ્રસિંહ પુરોહિત, અશોકભાઇ સોંધરા,
ભરતસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, પુંજાભાઇ ચાડ, વિશ્વજિતસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.