મુંદરા તા. 19 : કચ્છમાં બેફામ અને બેલગામ ખનિજચોરી થઈ રહી હોવાની વધતી ફરિયાદો
વચ્ચે ફ્લાઇંગ સ્કવોડ તપાસ ટીમ દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગજોડની સીમમાં ગેરકાયદે ખનન કરતું એક એસ્કેવેટર મશીન તથા બે ડમ્પર પકડાયાં
છે તથા મુંદરા તાલુકાના ગુંદાલા ગામ પાસે રોયલ્ટી પાસ વિના રેતી ભરેલાં ડમ્પરને તેમજ
મિરજાપર-ભુજ હાઇવે પર પણ રોયલ્ટી વિનાનાં ડમ્પરને સીઝ કરી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં
આવ્યાં છે. સત્તાવાર રીતે જણાવાયા પ્રમાણે, જિલ્લા કલેક્ટરનાં
માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડ-કચ્છની તપાસ ટીમ દ્વારા તા.18/11/2025ના ભુજ તાલુકાના ગજોડ સીમ વિસ્તારમાં બ્લેક ટ્રેપ ખનિજનું ગેરકાયદે
ખનન કરતું એક એસ્કેવેટર મશીન તથા બે ડમ્પર પકડવામાં આવ્યાં હતાં, જેને સીઝ કરી સરકારી ગોદામ, ભુજ ખાતે કસ્ટડીમાં સોંપાયા છે અને આગળની કાર્યવાહી હવે હાથ ધરાશે. જ્યારે મુંદરા તાલુકાના ગુંદાલા પાસે સાદી રેતી ખનિજ રોયલ્ટી પાસ વગર વહન કરતાં
એક ડમ્પરને પકડી, મુંદરા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપાયું
છે તથા તા. 19/11/2025ના
વહેલી સવારે મિરજાપર-ભુજ હાઈવે ખાતે સાદી રેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતાં બે
ડમ્પરને સીઝ કરી સરકારી ગોદામ, ભુજ ખાતે
કસ્ટડીમાં સોંપાયાં છે.