• બુધવાર, 19 નવેમ્બર, 2025

અમેરિકામાં કુશળ ભારતીયો માટે અન્યાયકારી કારસો !

અમેરિકાને ફરી મહાન બનાવવાનાં ટ્રમ્પનાં દીવાસ્વપ્ને ભારતીય નિષ્ણાત વ્યાવસાયિકોનાં સપનાં સામે જોખમ સર્જ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવા અને અણધાર્યા નિર્ણયો લઈને ભલભલાની યોજનાઓની ઉપર પાણી ફેરવી રહ્યા છે. હવે ત્યાંની સરકારે એચવન -બી વિઝાના નિયમોમાં મોટાપાયે ફેરફાર જાહેર કર્યા છે. આ વર્ષે પહેલી સપ્ટેમ્બરથી આ વિઝાની  ફીમાં ભારે વધારો કર્યા બાદ હવે અમેરિકાની સરકારે એક નવી નીતિ જાહેર કરી છે, જે મુજબ અમેરિકા આવતા વ્યાવસાયિકોની નોકરીઓ ત્યાંના કર્મચારીઓને તાલીમ આપવા પૂરતી મર્યાદિત બની રહેશે. આ તાલીમ અપાઈ ગયા બાદ આ વ્યાવસાયિકોને તેમના સ્વદેશ પર જતા રહેવાનું રહેશે. આ નવી નીતિ પરથી સ્પષ્ટ જણાય છે કે, અમેરિકા વિદેશી ક્ષમતાનો ઉપયોગ પોતાના કર્મચારીઓના હિત સાધવા માટે જ ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે ગયા સપ્તાહે કહ્યંy હતું કે, એચવન-બી હેઠળ કુશળ વિદેશી વ્યાવસાયિકો લાવવાનો ઉદ્દેશ અમેરિકાના કર્મચારીઓને તાલીમબદ્ધ કરવાનો છે. આવી તાલીમ ત્રણથી સાત વર્ષના સમયગાળા પૂરતી મર્યાદિત રહેશે તે પછી આ વિદેશી વ્યાવસાયિકોએ તેમના દેશ પરત જતા રહેવું પડશે.  આ નવી વાતથી સ્પષ્ટ છે કે, ભારત અને અન્ય દેશના લોકો હવે અમેરિકામાં સ્થાયી થઈને નોકરી કરી શકશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહેતા રહ્યા છે કે, વિદેશી વ્યાવસાયિકો મોટી સંખ્યામાં આવતા હોવાથી સ્થાનિક નાગરિકોને રોજગારથી વંચિત રહેવું પડે છે. આ વલણના પ્રતિબિંબરૂપે તેમણે એચવન-બી વિઝાની ફીમાં ભારે વધારો કરી નાખ્યો છે. સાથોસાથ તેમણે અન્ય દેશોમાં ઉત્પાદન અથવા અન્ય સેવાઓ માટે સુવિધા ધરાવતી અમેરિકાની કંપનીઓને ત્યાંની વ્યવસ્થા બંધ કરીને પરત ફરવા દબાણ વધારવું શરૂ કર્યું છે. અમેરિકન સરકારનું એમ માનવું છે કે, ખરા અર્થમાં ઉચ્ચ કુશળતા ધરાવતા વ્યાવસાયિકો જ આવે એટલા માટે જ એચવન-બી વિઝાની ફીમાં ધરખમ વધારો કરાયો છે. આમે અમેરિકામાં નોકરી કરવા માટે આ એચવન-બી વિઝા અનિવાર્ય છે. ભારતીય વ્યાવસાયિકો આ વિઝા મેળવવામાં ટોચ પર છે. વર્ષ 2023ના આંકડા મુજબ બે લાખથી વધુ ભારતીયે આ વિઝા મેળવ્યા હતા. વર્ષ 2020થી 2023 વચ્ચે એચવન-બી વિઝા મેળવનારાઓઁની સંખ્યમાં 73.7 ટકા ભારતીયો હતા. અમેરિકા અને ભારતીય આઈટી કંપનીઓ વિકાસ માટે એકમેક પર આધારિત છે. આવામાં એચવન-બી વિઝાની નવી નીતિથી ભારતીય વ્યાવસાયિકેના અમેરિકાનાં સ્વપ્નને આંચકો લાગી શકે તે તે જ રીતે અમેરિકામાં આઈટી સંબંધિત વિકાસ પણ રુંધાઈ શકે છે. હવે જ્યારે અમેરિકા ભારત સહિતના વિદેશી નિષ્ણાતોનો પોતાના કર્મચારીઓની તાલીમ પૂરતો ઉપયોગ કરીને આ વ્યાવસાયિકોના ભવિષ્ય સામે જોખમ ઊભું કરી રહ્યંy છે. આશા રાખવી રહી કે, ટ્રમ્પને તેમના અગાઉના નિર્ણયોમાં જે રીતે પીછેહઠ કરવી પડી છે, તેમ એચવન-બી વિઝાની આ નકારાત્મક નીતિમાં પણ બાંધછોડ કરવી પડશે.

Panchang

dd