નવી દિલ્હી, તા.27 : પહેલગામ આતંકી
હુમલા બાદ પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે ભારતીય નૌસેનાના યુદ્ધજહાજોએ અનેક સફળ જહાજરોધક
મિસાઈલ દાગી હતી. નૌસેનાના પ્રવક્તાએ `એક્સ' પર પોસ્ટ
મૂકતાં જણાવ્યું હતું કે આ ફાયરિંગ્સ લાંબાં અંતરના સચોટ હુમલાઓ માટે પ્લેટફોર્મ્સ,
સિસ્ટમ્સ અને ક્રૂની યુદ્ધ તૈયારીની પુષ્ટિ કરે છે. તેનો હેતુ નૌસેનાની
યુદ્ધની તૈયારી અને ભારતના સમુદ્રી હિતોનાં સંરક્ષણ કરવાની ક્ષમતાનું પ્રદર્શન કરવાનો
હતો. આ યુદ્ધજહાજો અરબ સાગરમાં તૈનાત હતાં. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ભારતીય
નૌસેનાના જહાજોએ અનેક જહાજરોધી મિસાઈલનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. નૌસેના કોઈ પણ
સમયે, કોઈ પણ રીતે રાષ્ટ્રના સમુદ્રી હિતોનું રક્ષણ કરવા માટે
તત્પર, વિશ્વસનીય અને ભવિષ્ય માટે તૈયાર છે. આ પહેલાં,
ભારતીય નૌસેનાના મિસાઈલ વિધ્વંસક જહાજ આઈએનએસ સૂરતે મધ્યમ અંતર સુધી
જમીનથી હવામાં માર કરનારી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલની મારકક્ષમતા
70 કિ.મી.ની બતાવાઈ રહી છે. નૌસેનાએ
કહ્યું હતું કે આઈએનએસ સૂરતે સમુદ્રમાં સ્થિત લક્ષ્ય પર સફળતાપૂર્વક સચોટ હુમલો કર્યો
હતો.