ભુજ, તા. 27 : `એકના ત્રણ કરવા છે... ભુજ આવી
જાવ...' ઇન્સ્ટાગ્રામમાં આઇ.ડી. બનાવી પેટીઓમાં નાણાં
ભરેલો વીડિયો વાયરલ થતાં એલ.સી.બી.એ તેનું પગેરું દબાવી કોઇ છેતરાય તે પહેલાં ભુજના
બે યુવકને દબોદી લીધા છે. આ અંગે એલ.સી.બી.એ જાહેર કરેલી વિગતો મુજબ ઇન્સ્ટાગ્રામ
(સોશિયલ મીડિયા) પર રામભાઇ પટેલ નામની આઇ.ડી. પરથી ભારતીય ચલણની 500ની નોટોના બંડલો સાથે પેટીઓ
ભરેલા નાણાંનો વીડિયો બનાવી બેના છ લાખ કરવા તથા સ્થળ ગુજરાત કચ્છ લખી મો.નં. આપી અને
ભુજ લોકેશન જાયેગા મેરા ભાઇ ઠીક હૈ... બોલતો વીડિયો મૂક્યો હતો. આ લોભામણી વીડિયો ક્લિપ
લોકોને છેતરવાના ઇરાદે બનાવી હતી. આવા ગુના બનતા અટકાવવા એલ.સી.બી.ના પી.આઇ. એસ. એન. ચૂડાસમાએ એ.એસ.આઇ. નીલેશભાઇ ભટ્ટ, હે.કો. ધર્મેન્દ્રભાઇ રાવલ તથા કોન્સ. જીવરાજભાઇ
ગઢવીને આ વીડિયો બનાવનાર શોધી પકડી પાડવા સૂચના આપતાં ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના
આધારે ભુજના કેમ્પ એરિયામાં રહેતા અબ્દુલ રજાક રઉફ રાયમા અને રૈયાન અલીમામદ બકાલી સમાને
રાઉન્ડઅપ કરી આ વીડિયો બાબતે ઝીણવટભરી પૂછપરછ કરાતાં બંને ભેગા મળી રૂમ ભાડે રાખી તેમાં
મોટી પેટી તથા લોખંડના ટ્રંક (સૂટકેસ)માં ઉપરના ભાગે એક એક સાચી અને નીચે ચિલ્ડ્રન
બેંકની ખોટી નોટો રાખી વીડિયો બનાવી છેતરપિંડીના
ઇરાદે વાયરલ કર્યાનું જણાવ્યું હતું. બંને વિરુદ્ધ બી-ડવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવી
કાયદેસરની કાર્યવાહી આદરવામાં આવી છે.