નવી દિલ્હી, તા. 27 : પહેલગામ હુમલા
બાદ ભારતનાં આકરાં વલણથી રઘવાયેલાં આતંકપરસ્ત પાકિસ્તાને અંકુશ રેખા પર રવિવારે લગાતાર
ત્રીજા દિવસે ગોળીબાર કર્યો હતો. ભારતની સેનાએ પણ જડબાંતોડ જવાબ આપ્યો હતો. બે દેશ
વચ્ચે તાણ પરાકાષ્ઠાએ પહોંચી છે. પહેલગામ હુમલા બાદ રાત-દિવસ એલર્ટ મોડમાં રહેવા માંડેલી
ભારતીય સેનાએ વધુ ત્રણ આતંકી સહિત કુલ 10 આંતકીનાં ઘર વિસ્ફોટ કરીને ઉડાવી દીધાં છે. કાશ્મીરનાં બાંદીપોરા
અને ત્રાલમાંયે આતંકી સંગઠનો સાથે જોડાયેલા લોકોનાં ઘરો તોડી પડાયાં છે. દરમ્યાન કુપવાડા
સ્થિત કંડી ખાસ વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરે
45 વર્ષીય ગુલામ રસૂલમગરેની ગોળી
મારીને હત્યા કરી નાખી હતી. બીજી તરફ ભારત સાથે વ્યાપારી સમજૂતી રદ થયા પછી પાકિસ્તાનમાં
દવાઓનું સંકટ સર્જાયું છે. પાકના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. દરમ્યાન શ્રીનગરમાં
60થી વધુ ઘરો પર દરોડા પડાયા હતા. અનંતનાગમાં
સંદિગ્ધ ગતિવિધિઓ પર નજર રાખવા મોબાઇલ વાહન ચેક પોંઇટ ઊભા કરાયા છે. આસામના મુખ્યમંત્રી
હિમંતા બિસ્વા સરમાએ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોની ભારત વિરોધી
ટિપ્પણીની ટીકા કરી હતી. ભારતના એક અંગ્રેજી અખબારે સૈન્ય અધિકારીને ટાંકી લખ્યું છે
કે, સૈન્ય જવાબી કાર્યવાહી થશે અને અમે તૈયાર છીએ.
અમે માત્ર એ ચર્ચા કરી રહ્યા છીએ કે, હુમલો કેવી રીતે કરવામાં
આવશે. એલઓસી પર માહોલ અત્યંત ખરાબ છે અને પરમાણુ હથિયાર સંપન્ન બે દેશ વચ્ચે આમને-સામને
જેવી સ્થિતિ છે. ભારતીય સેના અનુસાર પાકિસ્તાન તરફથી સરહદે નાના હથિયારોથી ગોળીબાર
સતત ચાલુ છે. જેનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. દરમિયાન કાશ્મીરમાં આતંકવાદીઓના ઘર
ફૂંકી મારવાનું અભિયાન ચાલુ છે અને છેલ્લી સ્થિતિએ 10 આતંકીના ઘર વિસ્ફોટ કરીને જમીનદોસ્ત
કરી નાખવામાં આવ્યાં છે. 3 આતંકીના ઘર
ઉપર બુલડોઝર ફેરવી દેવાયું છે. પહેલગામ હુમલાના આતંકીઓની શોધખોળ માટે કાશ્મીરમાં મોટાપાયે
સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓના સ્કેચ બહાર પાડીને રૂા. ર0 લાખનું ઈનામ જાહેર કરાયું છે. હુમલાખોરોમાં બે આતંકી પાકિસ્તાની હોવાનું
સામે આવ્યું છે.