• સોમવાર, 28 એપ્રિલ, 2025

મેઘપર (બો.)માંથી સ્પામાં કામ કરતી છ બાંગલાદેશી મહિલા ઝડપાઇ

ગાંધીધામ, તા. 27 : પૂર્વ કચ્છ પોલીસે અહીં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા કમર કસી છે. દરમ્યાન અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં રહેનાર અને સ્પામાં કામ કરતી બાંગલાદેશી 6 મહિલાને ઓળખી કાઢી તેમને પરત બાંગલાદેશ મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગલાદેશી ઘૂસણખોરો શોધી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સૂચનાઓ રાજ્યના પોલીસવડા તરફથી આપવામાં આવી હતી, જેના પગલે પૂર્વ કચ્છ પોલીસે સ્પા, લાકડાના બેન્સા, ફેક્ટરી, કારખાના, હોટેલઢાબા વગેરેની તલાસી લીધી હતી. આ ઝુંબેશમાં એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ મથકોની ટીમ જોડાઇ હતી. દરમ્યાન મેઘપર બોરીચી વિસ્તારમાં સંતકૃપા સોસાયટીમાં બ્લેક બુદ્ધા સ્પા અને બ્લેક રોઝ સ્પામાં કામ કરી ભારતના બનાવટી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ બનાવી ત્યાં રહેનારી છ બાંગલાદેશી મહિલા મળી આવી હતી. પોલીસે સર્મિન રફીક શેખ તથા બાળક, લીમા રફીક શેખ, પરવીના અબ્દુલ્લા શેખ, આસ્મા રઝાક ગાંજી, સબીના બેગમ ઝહરઅલી, જહાનરા ઉર્ફે જન્નત સલીમ શેખને શોધી કાઢી હતી. આ મહિલાઓ પાસેથી ડુપ્લીકેટ નામવાળા ભારતના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ પણ મળી આવ્યા હતા. આ તમામને બાંગલાદેશ પરત મોકલી આપવા પોલીસે તજવીજ હાથ ધરી છે તેમજ આસપાસના ધંધા, નોકરી કે સોસાયટીમાં બાંગલાદેશી, પાકિસ્તાની કે અન્ય દેશના ઘૂસણખોરો રહેતા હોય જેની જાણકારી હોય, તો કન્ટ્રોલરૂમ મો. નં. 63596  26845 ઉપર સંપર્ક કરવા પોલીસે લોકોને અપીલ કરી છે. દરમ્યાન વર્ષોથી અહીં રહેનારા અમુક ઘૂસણખોરોએ પોતાના તમામ દસ્તાવેજ અહીંના બનાવી લીધા હોવાનું અને તેવા શખ્સો સામે પણ કાર્યવાહી કરવા જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd