કાશ્મીરમાં આતંકવાદીઓએ હિન્દુ પર્યટકોની હત્યા કરીને કાળો કેર
વર્તાવ્યો, તેના જવાબમાં ભારતે કૂટનીતિ
- ડિપ્લોમેટિક મોરચે પગલાં જાહેર કર્યાં તેનો અર્થ એવો નથી કે, લશ્કરી પગલાં નહીં લેવાય. આ તો શરૂઆત થઈ છે. લશ્કરી પગલાં માટે પાકિસ્તાનને
`નોટિસ'
આપવાની જરૂર નથી! ભારતીય સેના - સશત્ર દળોને સંપૂર્ણ સત્તા-છુટ્ટો હાથ
આપવામાં આવ્યો છે. સમય અને સ્ટ્રેટેજી આપણી સેના નક્કી કરશે, પણ વડાપ્રધાન મોદીએ આતંકવાદના પાકિસ્તાની આકાઓને ચેતવણી નહીં - ખુલ્લી ધમકી
આપી દીધી છે કે, આતંકવાદી હત્યારાઓ દુનિયાના છેડા ઉપર છુપાયા
હશે તો પણ શોધીને `ન્યાય' માટે ઊભા કરવામાં આવશે. આતંકવાદીઓના `માલિકો'ને પણ એવી સજા થશે જેની તેઓ કલ્પના પણ નહીં કરી શકે. બિહારના મધુબનીમાં જાહેર
સભામાં મોદીએ હત્યારાઓનો શિકાર બનેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાળીને શરૂઆત
કરી - આ પછી દુનિયાના ખૂણેખૂણે સંદેશો પહોંચે તે માટે અંગ્રેજીમાં ઉપરોક્ત ચેતવણી આપી
છે, હવે ભારત લશ્કરી પગલાં ભરી બતાવશે. ભારતે ડિપ્લોમેટિક મોરચો
ખોલ્યો તેની પણ પાકિસ્તાનને કલ્પના નહોતી. સામાન્ય રીતે આવી સ્થિતિમાં હાઈ કમિશનમાંથી
સભ્યોને ભારત છોડવાની તાકીદ થાય, પણ આ વખતે ભારતે વિઝા રદ કર્યા
અને પાકિસ્તાનીઓને તાકીદે ભારત છોડવા જણાવ્યું. સિંધુ નદીનાં જળ વહેંચણી કરારનો અમલ
રોકવાનો નિર્ણય પાકિસ્તાન માટે ઘણો ગંભીર - ઊંઘ ઉડાવે તેવો છે. પાકિસ્તાને આવી કલ્પનાં
સપનાંમાં પણ નહીં કરી હોય. હવે પાકિસ્તાનના ખેરખાંઓ ચોંકી ઊઠયા છે, પણ ટાંગ તો ઊંચી બતાવવી છે! પાકિસ્તાનનું અર્થતંત્ર - ડચકા ખાય છે - તે સૂકાઈ
જવાની શક્યતા છે. સિંધુ ઉપરાંત ઝેલમ અને ચિનાબનાં પાણી સ્રોત બંધ થાય અથવા અલગ માર્ગે
વાળી લેવાય તેની અસર લાખો લોકો ઉપર પડશે અને લોકો વલખાં મારે ત્યારે પાકિસ્તાનના લશ્કરી
શાસકોને મઝહબ યાદ આવશે અને અલ્લાહને પોકારશે પણ ઇસ્લામમાં આતંકને સ્થાન નથી. બેકસૂર,
નિ:શત્ર લોકોના હત્યારાઓને અલ્લાહ-ખુદા પણ માફ નહીં કરે. પાકિસ્તાની
આવામ - આમજનતાને ટાંગ ઊંચી બતાવવા ખાતર ભારતને જવાબ આપવા પગલાં જાહેર કર્યાં છે - તેમાં
પણ ભારતની નકલમાં અકલ નથી! વિઝા રદ વગેરે જાહેરાત થઈ છે અને સિંધુ નદીનાં જળ ઉપર પાકિસ્તાનનો
હક છે - નદીનું વહેણ અટકાવી અથવા બદલી શકાય નહીં એમ કહીને ભારતને ધમકી આપી છે કે -
આ યુદ્ધ જેવું પગલું છે અને પાકિસ્તાન તેની પૂરી તાકાતથી જવાબ આપશે! પાકિસ્તાને મધપૂડો
છંછેડયો છે. હવે કહે છે કે, શિમલા કરાર જેવા અન્ય દ્વિપક્ષી કરાર
પણ રદ કરાશે એમ કહીને વળતો આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાનમાં ભારતની આતંકવાદી કામગીરી
બંધ નહીં થાય અને કાશ્મીર અંગેના યુનાઈટેડ નેશન્સના ઠરાવનો અમલ નહીં થાય ત્યાં સુધી
દ્વિપક્ષી કરાર - રોકી રાખવાનો પાકિસ્તાનનો અધિકાર અબાધિત છે! આતંકવાદી આક્રમણની સખત
ટીકા કરીને ભારતને સમર્થન આપનારા દેશોમાં અમેરિકા, રશિયા અને
ચીન પણ છે. યુરોપિયન યુનિયન પણ છે, ત્યારે ભારત હવે લશ્કરી પગલાં
ભરે ત્યારે પાકિસ્તાનની કાગારોળ - હાય હાય હમ મર ગયે - કોણ સાંભળશે? હકીકતમાં પાકિસ્તાની જનતા પણ `લશ્કર-રાજ' સામે
અવાજ ઉઠાવી રહી છે. અફઘાન અને બલુચ લોકો તો પાકિસ્તાની સેના સામે લડી રહ્યા છે. પાકિસ્તાની
કબજા હેઠળના કાશ્મીરમાં લોકો આઝાદી માગે છે. આપણા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તો કહ્યું
છે કે, પાકિસ્તાની કાશ્મીરના લોકો સામેથી આવીને ભારત સાથે જોડાવા
તૈયાર છે ! પાકિસ્તાન જો ભારત સાથે ભીડવાનું દુ:સાહસ કરે તો આખરે કાશ્મીર લેવા જતાં
ઇસ્લામાબાદ ગુમાવશે.