ભુજ, તા. 27 : દોઢથી બે મહિના પહેલાં લખપત
તાલુકાના હરોડા ગામની સીમમાં આવેલી પવનચક્કીની બાજુમાં ટ્રાન્સફોર્મર કાપીને તેમાંથી
કોપરની પટ્ટીઓની ચોરી કરવામાં આવી હતી, જેની નરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં એલસીબીએ સાત શખ્સને ઝડપી આ
ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. હરોડા ગામના બસ સ્ટેશન પાસે ભેગા થઈ આરોપીઓ અન્ય ગુનાહિત
પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં હોવાની બાતમી એલસીબીને મળતાં ત્યાંથી તેઓને દબોચી
લેવાયા હતા. હરોડાના આમદ વેલા મંધરા, અબ્દુલ અદ્રેમાન મંધરા,
નૂરમામદ સિધિક મંધરા, રઝાક લતીફ મંધરા તથા બાંડિયારાના
ઓસમાણ જુસબ સંગાર, અભુભખર મુસા સંગાર, જતવાંઢના
રહીમખાન ખમુ જતને પકડી લેવાયા હતા, જ્યારે બાંડિયારાના સુલેમાન
સંગાર, હરોડાના ઈસ્માઈલ અલીમામદ મંધરા, રશીદ મુબારક મંધરા, આલમ નૂરમામદ મંધરા અને ભુજના સમીર
કુંભારના નામ ખુલ્યાં છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી રાધણગેસનો બાટલો, ઓક્સિજન સિલિન્ડર, ગેસ કટર સહિતની નળી સહિતનો મુદ્દામાલ
જપ્ત થયો છે. આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ કોપરની પટ્ટીઓ ચોરીને સમીર કુંભારને
આપી હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓને નરા પોલીસના હવાલે કરી કાર્યવાહી આદરાઈ છે.