ગાંધીધામ, તા. 27 : ગાંધીધામ સંકુલ, કંડલા કોમ્પ્લેક્સ અને પૂર્વ કચ્છની ગરીબ અને
મધ્યમ વર્ગીય પરિવારો માટે સંજીવીની રૂપ મનાતી અને 31 કરોડથી વધુ કિંમતની પાંચ અદ્યતન
ઇમારતોનું સામ્રાજ્ય ધરાવતી આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલમાં મહત્ત્વના તબીબોની
લગભગ જગ્યાઓ ખાલી છે, પણ સરકારની
અલગ અલગ યોજનાઓ તળે તબીબો સેવા આપી રહ્યા છે અને મેડિકલ ઓફિસરોને અન્ય સરકારી હોસ્પિટલોમાંથી
ડેપ્યુટશન ઉપર બોલાવવામાં આવે છે તેનાથી દર્દીઓને સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવી રહી
છે. વીતેલાં વર્ષમાં રામબાગ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે મહત્ત્વના તબીબોની ઘટ વચ્ચે
2,04,481 ઓપીડી લેવાઈ છે, જેમાં 44947 બાળક, 81782 મહિલા અને
77750 પુરુષનાં સ્વાસ્થ્યની ચકાસણી
કરીને જરૂરી સારવાર અને દવાઓ આપવામાં આવી હતી. વર્ષ દરમ્યાન 1,68,359 લેબ ટેસ્ટ થયા છે. સરેરાશ દર
મહિને 14,030 અને દૈનિક 421 ટેસ્ટ થયા છે. લેબોરેટરીમાં
પણ સ્ટાફની ઘટ છે. ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવે
છે તેમ છતાં જે મહત્ત્વના તબીબોની જગ્યાઓ ખાલી છે તેને ભરવામાં ઘોર ઉદાસીનતા દાખવવામાં
આવી રહી છે. વર્ષ દરમ્યાન હોસ્પિટલમાં 196 જનરલ સર્જરી કરવામાં આવી છે, તો 2954 દાંતનાં ઓપરેશન કરવામાં આવ્યાં છે અને 7884ને તત્કાલ સારવાર આપવામાં આવી
છે. આ ઉપરાંત કાન, નાક,
ગળાના 133 અને આંખના
600 દર્દીનાં ઓપરેશન કરવામાં આવ્યાં
હતાં. 838ના ઈસીજી અને 149 સોનોગ્રાફી કરવામાં આવી હતી.
ઘણા સમયથી હોસ્પિટલમાં સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, તો તબીબી સેવાઓમાં સુધારો થાય તે દિશામાં પ્રયાસ
કરવામાં આવી રહ્યા છે, પરંતુ સ્ટાફની ઘટ છે તેના કારણે અનેક મુશ્કેલીઓ
આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાટ સારવાર લેવા
માટે મજબૂર થવું પડે છે. સરકાર દ્વારા મહત્ત્વના તબીબો અને સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવામાં આવે, તો આર્થિક રીતે નબળા પરિવારોને આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે તેમ છે.