રાયધણપર (તા. ભુજ), તા. 26 : તાલુકાની
આહીરપટ્ટીનો ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં રોડ-રસ્તાની બાબતમાં ખૂબ જ સુવિધાસભર
અને સુવિકસીત હશે તેવી ખાત્રી સાથે તાલુકાનાં લોડાઈથી ખેંગારપર અને વાત્રા એપ્રોચ રોડનું
રૂા. 314 લાખના ખર્ચે થનારા રિસરફેસિંગ
કામનું ખાતમુહૂર્ત અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું
હતું. ખેંગારપર ગામ ખાતે આયોજિત આ કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી વક્તવ્ય આપતા ધારાસભ્ય
ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તાર નવા રસ્તાઓથી શહેરી અને તાલુકા મથકોથી જોડાઈ રહ્યા છે જેથી
ગામડાંઓના આર્થિક-સામાજિક વ્યવહારો સરળ બનવા લાગ્યા છે. જિલ્લાપંચાયતની બાંધકામ સમિતિના
ચેરમેન મશરૂભાઈ રબારી, જિલ્લાપંચાયતના સભ્ય દામજીભાઈ ચાડ,
હરી હીરા જાટિયાએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. તાલુકા પંચાયત કારોબારી
સમિતિના ચેરમેન ધનજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત સદસ્ય ભુરાભાઈ બત્તા,
વાલાભાઈ સવાભાઈ ડાંગર, તાલુકા ભાજપના મહામંત્રી
અશોકભાઈ બરાડિયા, મનજી કાનજી ચાડ સહિતના અગ્રણીઓ મંચસ્થ રહ્યા
હતા. માર્ગ મકાન વિભાગના ડી.વી. મહેશ્વરીએ કામની વિગતો આપી હતી. આસપાસના લોડાઈ,
ખેંગારપર, હબાય, ઝિંકડી ગામના
સરપંચ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેંગારપરના ગ્રામજનોએ આયોજન વ્યવસ્થામાં સહયોગ
આપ્યો હતો. કલ્પેશ મારાજે શાત્રોક્તવિધિ કરાવી હતી.