ઉમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 26 : કચ્છના રણ
પટ વિસ્તારમાં કચ્છના વલી શહેનશાહ હઝરત હાજીપીર વલી (ર.અ.)ના ત્રિદિવસીય મેળાનો આજે
સૈયદ સાદાત મુજાવર પરિવાર, ધારાસભ્ય અને
ઉપસ્થિત અગ્રણીઓની હાજરીમાં વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવતાં હાજીપીરની જય હો સાથે
વાતાવરણ કોમી એકતામય બની ગયો હતો. એક હિન્દુ વિધવાની ગાય માટે બલિદાન આપનારા શહીદ હજરત
હાજીપીર વલીના મેળામાં કચ્છ નહીં પણ કચ્છ બહાર કાઠિયાવાડ, જામનગર,
મુંબઇથી યાત્રાળુઓ આવે છે, તેની વાત કરતાં સૈયદ
કૌશરઅલી બાપુ (અંજાર)એ 800 વર્ષથી યોજાતા
કોમી એકતાના આ મેળા અને દરગાહ હાજીપીરની વિશ્વની અજોડ છે કે, જ્યાં પૂ. સંત મોરારી બાપુ દ્વારા રામથાનું
આયોજન થયું હતું. જે એક કોમી એકતાની મિશાલ છે. રસ્તા માટે રૂા.95 કરોડ મંજૂર થયા, આગામી દિવસોમાં કામ પણ શરૂ થશે તે માટે ધારાસભ્યોની
જોડી ભુજના કેશુભાઇ પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા અને
ગુજરાત સરકારના આભાર સાથે હજી વધુ સુવિધા પ્રાપ્ત આ ધામને થાય એવી માંગણી કરી હતી.
તેમણે પહેલ ગામની નિંદનીય બનાવને વખોડતાં કહ્યું હતું કે, આતંકવાદીઓનો
કોઇ ધર્મ જ નથી હોતો, જેને મજહબ સાથે ન જોડવાની વાત કરી હતી.
ખાસ ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રણના સૂકા વિસ્તારમાં હજરત હાજીપીરના
પરચા છે, તેથી જ આ રણની મરૂ ભૂમિ પર બિરાજતા ઓલિયાની મજારે હિન્દુ-મુસ્લિમો
શિશ નમાવા આવે છે. આ યાત્રાધામને કોઇપણ ખૂટતી કડી ધારાસભ્ય કેશુભાઇ અને પ્રદ્યુમનસિંહ
પૂરી કરશે તેવું જણાવી યાત્રાળુઓને તકલીફ ન થાય તે માટે નખત્રાણા-વિરાણી જતાવીરા-ફુલાય,
બુરકલથી હાજીપીરનો રસ્તો સ્ટેટ
લેવલે માગણી કરાઇ છે. જેથી હાજીપીર બાજુના રસ્તા સગવડતા વધશે. શ્રી જાડેજાએ 95 કરોડનો રસ્તો મંજૂર થયો તેના
જોબ નંબરનો પત્ર પણ સાથે લાવીને દરગાહ શરીફમાં મુજાવર પરિવારને અર્પણ કર્યો હતો. ગુજરાત
રાજ્ય હજ કમિટીના અને ભાજપના મોવડી હાજી આમદ જતે આ રસ્તા માટે સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઇ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની મહેનતથી આ મોટા ગજાનો રસ્તો પાસ
થયો હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે અનુબાપુ
સૈયદ (અંજાર), હાજી ગફુર શેખ, મુસ્લિમ હિતરક્ષક
સમિતિના પૂર્વ પ્રમુખ હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા, સરપંચ હાજીભાઇ મુજાવર, લખપત તાલુકા પંચાયતના
ઉપપ્રમુખ રાજુભાઇ સરદાર, કોર કમિટીના પ્રમુખ ઇકબાલ જત,
ઇરફાન હાલેપોત્રા, તલાટી અમીન સમા, હાજીપીર મુજાવર સમિતિના અબાસભાઇ મુજાવર, હાજી ઇસ્માઇલ
ભચાયા, હાજી દાઉદભાઇ મુજાવર, હાજી ઇસ્માઇલભાઇ,
કાસમભાઇ, હાજી અદ્રેમાનભાઇ, આચાર સાલે, સિધીક
રમજાન, નખત્રાણા તા. પંચાયત ફુલાય સીટના હોતખાન મુતવા,
યાકુબ મુતવા, હાજી ગફુર શેખ, હાજીયાણીબાઇ મુજાવર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં બંદોબસ્ત માટે એસ.પી.
વિકાસ સુંડા, ડીવાયએસપી બી.બી. ભગોરા, પીઆઇ
વી. વી. ભોલા, એચ. એસ. ત્રિવેદી, પીએસઆઇ
વી.ડી. ગોહીલ તેમજ પોલીસ જીઆરડી મહિલા પોલીસ
સહિત 340 કર્મીઓ તૈનાત કરાયા છે. તો
મેળામાં સીસી ટીવી કેમેરા સાથે 24 કલાક કન્ટ્રોલ
રૂમ ચાલુ છે. - લાઇટ, પાણીની અગવડ : મેળામાં મળી ગયેલા સરપંચ હાજીભાઇએ કહ્યું
હતું કે, પાણી પુરવઠા દ્વારા પાણીની કોઇ વ્યવસ્થા કરાઇ
નથી. જેથી ગરમી અને તાપથી સહેલાણીઓને પાણીની અસર વર્તાતી હતી. તો શુક્રવાર સાંજે 4 વાગ્યાથી વીજ પુરવઠો પણ અનિયમિત હતો જેના
કારણે ધંધાર્થીઓને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો તો મસ્જિદમાં પણ પાણી ખૂટી પડયું
હતું અને લાઇટના અભાવે લોકોના ધંધા પર પણ અસર
થઇ હતી. પંચાયત દ્વારા ટેન્કરની વ્યવસ્થા કરાઇ હતી. પા. પુરવઠા ખાતાના ટાંકામાં પાણી
છે છતાં વિતરણ વ્યવસ્થા કરવામાં ન આવતાં આક્રોશ વ્યકત કરાયો હતો. ઉપસ્થિતો સૈયદ સાદાત, ધારાસભ્યનું મેળા સમિતિ વતી સન્માન કરવામાં
આવ્યું હતું. આર્ચિયન કંપની દ્વારા ભોજન, મેડિકલ સારવાર માટે
કેમ્પ રાખવામાં આવ્યો હતો. - રસ્તાએ થકાવ્યા : છેલ્લા ઘણા સમયથી દેશલપુરથી હાજીપીરનો રસ્તો ખરાબ હોતા વાહનો
નખત્રાણાથી ભુજ પહોંચતાં અઢીથી ત્રણ કલાક લાગતાહતા તો ક્યાંક ક્યાંક વાહનો પણ ખોટકાયેલા
નજરે પડયા હતા. ધોખધખતા તાપ વચ્ચે આજે મેળાના પહેલા દિવસે સવા લાખ યાત્રાળુઓ
માથા ટેકવી ગયા હતા. - વિરાણી મોટીથી
વાહનોની લાઇનો... : દેશલપુરથી
હાજીપીરનો રસ્તો ખરાબ હોતાં આ વખતે સોશ્યલ
મીડિયા પર વિરાણી મોટીથી હાજીપીર રસ્તા જવાના મેસેજ પ્રસિદ્ધ થતા આ છારીઢંઢના રસ્તે
ગઇકાલથી જ નાના-મોટા વાહનોની કતારો લાગી હતી.