વિશ્વભરમાં ઝડપભેર પલટાતાં રહેલાં આર્થિક સમીકરણોમાં સોનાના
ભાવો સતત વધી રહ્યા છે. અગાઉના અંદાજ મુજબ સોનાના ભાવ એક લાખને આંબી ગયા છે. ચોતરફ મોંઘવારીનું દબાણ અનુભવી રહેલા ભારતીય પરિવારો
માટે આ કિંમતી ધાતુ જીવનમાં આબાદ રીતે વણાઈ ગઈ છે,
ત્યારે આ ભાવવધારો ભારે મુશ્કેલી સર્જી રહ્યો છે. એક તરફ દુનિયામાં સોનાની માંગ વધી રહી છે તેના પ્રમાણમાં
તેના ખનનમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાને લીધે ભાવો ઊંચકાઈ રહ્યા છે. જો કે, અમેરિકાની નવી ટેરિફનીતિથી સર્જાઈ રહેલી આર્થિક અનિશ્ચિતાને લીધે સોનાના ભાવ
વધી રહ્યા છે. વળી મોંઘવારીને નાથવા માટે વિશ્વભરમાં
બેંકના વ્યાજદરો ઘટી રહ્યા છે. વ્યાજ ઘટવાને
લીધે રોકાણકારો હવે વધુ ફાયદા માટે સોનાની ખરીદી સતત વધારી રહ્યા છે. છેલ્લા લગભગ સાડા
ત્રણ મહિના દરમ્યાન સોનાના ભાવોમાં લગભગ 26 ટકા જેટલો ભારે ઉછાળો નોંધાયો છે. હાલના કારણ હજી યથાવત રહે એવી પૂરી શક્યતા હોવાથી
10 ગ્રામ સોનાના ભાવો સવા લાખને આંબી શકે એમ નિષ્ણાતો માની રહ્યા છે. ખાસ તો વિશ્વમાં
ડોલરની કિંમત ઘટી રહી હોવાને લીધે વિદેશી રોકાણકારો માટે સોનામાં રોકાણ વધુ અકાર્ષક
જણાઈ રહ્યંy છે. તેની
સાથોસાથ દુનિયામાં ચાલતા વિવિધ સંઘર્ષોને લીધે બેંકો આર્થિક સલામતી માટે સોનાનો સંગ્રહ
વધારી રહી છે. આ બધા કારણોને લીધે સોનાના ભાવોમાં
આગ ઝરતી તેજી અનુભવાઈ રહી છે. સોનાના ભાવોમાં સતત વધારાનો લીધે રોકાણકારોને મોટો ફાયદો
થઈ રહ્યો છે, પણ ભારતમાં લગ્ન પ્રસંગોએ
સોનું ખરીદતો મોટો વર્ગ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. ભારતના અર્થતંત્ર પર સોનાના ભાવોમાં
ઉછાળાની અવળી અસર પડી રહી છે. બે વર્ષ અગાઉ
સોનું ગીરવે મુકીને લોન લેનારાની સંખ્યા સતત વધી રહી છે. સોનાના ભાવોનો વધારો આ લેવડ-દેવડને જોખમમાં મૂકી
રહ્યા છે. આવનારા સમયમાં સોનાની ખરીદી ચોક્કસ
વર્ગ પૂરતી મર્યાદિત થઈ જાય એવા મુશ્કેલ સંજોગો આકાર લઈ ચૂક્યા છે.