• રવિવાર, 27 એપ્રિલ, 2025

દેશલપર (ગું.)થી હાજીપીર માર્ગનું સમારકામ

નખત્રાણા, તા. 26 : એક બાજુ રાજ્ય સરકારે રૂા. 95 કરોડ ફાળવ્યા છે, તેની વચ્ચે  દેશલપર (ગુંતલી)થી હાજીપીરના 32 કિ.મી. જર્જરિત માર્ગમાં આવનારા હાજીપીરના મેળાને અનુલક્ષીને માર્ગ-મકાન વિભાગ દ્વારા દેશલપર (ગું.)થી લુડબાય સુધી 16 કિ.મી. માર્ગને ડામર પાચિંગ તથા લુડબાયથી હાજીપીર સુધી 16 કિ.મી. માર્ગમાં માટીકામથી ખાડા તથા સાઈડો પૂરવાનું કામ શરૂ કરાયું હતું. જિલ્લાના માર્ગોમાં માલવાહક તથા પ્રવાસી વાહનોનો ધસારો વધ્યો છે. નખત્રાણાથી લખપત જતા ધોરીમાર્ગ વચ્ચે દેશલપર (ગુંતલી)થી હાજીપીર સુધીનો 32 કિ.મી. માર્ગ નમક ઉદ્યોગના ઓવરલાડિંગ વાહનો, યાત્રાધામ હાજીપીર જતા પ્રવાસી વાહનો, એસ.ટી. બસ સહિત સરહદી વિસ્તારમાં બીએસએફના વાહનોની અવરજવરથી વારંવાર જર્જરિત થતાં પ્રવાસીઓ તથા વાહનચાલકો માટે હાલાકી સર્જે છે. રાજ્ય માર્ગ-મકાન વિભાગના નખત્રાણા કચેરીના ના.કા.પા. ઈજનેર બી.ડી. પ્રજાપતિએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ કામ સરકારી તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી થયું નથી. હાલે કામચલાઉ ધોરણે વાહનો-પ્રવાસીઓને રાહત માટે કચેરી તરફથી શરૂ કરાયું છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ દેશલપરથી હાજીપીર સુધીના 32 કિ.મી.ના માર્ગના નવીનીકરણ માટે સરકાર સમક્ષ રજૂઆત કરાતાં ટકાઉ ગુણવત્તાયુક્ત તથા પાણીનાં વહેણ જેવી જગ્યાએ સિમેન્ટ કોંક્રિટ (આરસીસી) પાથરવાની કરાયેલી દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd