નવી દિલ્હી, તા.26 : પહેલગામ હુમલા
બાદ પંજાબને અડતી ભારત-પાકિસ્તાન સીમાએ એલર્ટ જારી છે. પંજાબના અમૃતસર, ફિરોઝપુર, ગુરદાસપુર,
પઠાણકોટ જિલ્લા પાકિસ્તાની સરહદ ધરાવે છે. બીએસએફે સરહદી ગામોના કિસાનો
માટે આદેશ જારી કર્યો કે તેઓ વાડની નજીક વાવવામાં આવેલા ઘઉંના પાકને બે દિવસમાં કાપી
ખેતરો ખાલી કરી દે. આ આદેશને પગલે આવનારા દિવસોમાં કાંઈ મોટું થવાના સંકેત મળી રહ્યા
છે. ગુરુદ્વારાઓમાંથી પણ જાહેરાત કરવામાં આવી રહી છે અને કિસાનોને જાણ કરવામાં આવી
છે કે નિર્ધારિત સમયમાં જો પાકની કાપણી કરવામાં આવશે નહીં તો દ્વારા સંપૂર્ણ રીતે બંધ
કરી દેવામાં આવશે એટલે કિસાનો 48 કલાકની અંદર પોતાનો પાક લણી લઈ સુરક્ષિત કરી લે. બીએસએફ તરફથી
આ આદેશ મળ્યા બાદ ખેડૂતોએ કાપણી શરૂ કરી દીધી છે. પંજાબના પઠાણકોટથી લઈને ફાઝિલ્કા
સુધી 553 કિ.મી. લાંબી સરહદે સેનાએ પોતાની
ગતિવિધિ વધારી છે. બીએસએફના જવાનોએ સરહદની સાથે નજીકના ગામોમાં જાપ્તો વધાર્યો છે.
લોકોને સંદિગ્ધ ગતિવિધિ સામે જાગૃત રહેવા અને તંત્રને જાણ કરવા જણાવાયું છે.