• શુક્રવાર, 25 એપ્રિલ, 2025

આતંકી હુમલામાં પાકિસ્તાની હાથ

કાશ્મીરમાં આતંકવાદીઓએ 25થી વધુ હિન્દુ પર્યટકની કરેલી કત્લેઆમના કારણે તમામ ભારતવાસીઓનું લોહી ઊકળી ઊઠયું છે. યુનાઈટેડ નેશન્સ અને ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના નાયબ-પ્રમુખ વેન્સ, રશિયાના પુતિન સહિત વિશ્વના અનેક નેતાઓએ આતંકવાદના કરતૂતને વખોડીને મૃતકોના પરિવારો પ્રતિ હમદર્દી વ્યક્ત કરી છે-દરેક આતંકી હુમલા પછી આવી હમદર્દી વ્યક્ત થાય છે પણ તેથી શું? આતંકવાદીઓ જેના ખોળામાં બેઠા છે તે પાકિસ્તાન સામે સખત પગલાં-સખત હાથે લેવાની જરૂર છે. અમેરિકાના ટ્વીન ટાવર ઉપર આતંકી આક્રમણ પછી કોઈ હુમલા થયા નથી : ભારત ઉપર વારંવાર હુમલા અને આક્રમણ થાય છે. આપણે સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાની ખેરખાઓના નાક કાપ્યાં છે, પણ હવે માથાં કાપવાની જરૂર છે : માથાં ભલે 10 હોય કે તમામનો અંત લાવવાનો સમય પાકી ગયો છે. આતંકવાદનો ભોગ-શિકાર બનેલા આત્માઓને શાંતિ તો જ મળશે. પહેલગામની ઘટના પછી ગૃહપ્રધાન અમિત શાહ શ્રીનગર પહોંચ્યા અને વડાપ્રધાન મોદી સાઉદી અરબની મુલાકાત અધૂરી મૂકીને નવી દિલ્હી પાછા ફર્યા છે. આતંકવાદીઓનો બદલો લેવા અંગે આપણે ગંભીર છીએ તે સ્પષ્ટ છે, પણ બદલાની કાર્યવાહીમાં આશ્ચર્ય અનિવાર્ય છે. સર્જિકલ સ્ટ્રાઈકના પુનરાવર્તનને બદલે `નવો પાઠ' ભણાવાનો નિર્ણય લેવાયો છે, જેમાં પાકિસ્તાનીઓની વિઝા રદ, અટારી-વાઘા સીમા ચોકી બંધ કરવી, રાજદ્વારી કચેરીઓમાં સ્ટાફ ઘટાડીને 30નો રાખવા ઉપરાંત સિંધુ જળસંધિ તાત્કાલિક અસરથી રદ કરવાનો સમાવેશ થાય છે. પગલાંઓનો આ પહેલો તબક્કો છે. આતંકનો અંત આણવા સૈન્યને ખુલ્લી છૂટ અપાઇ છે જે આગળ જતાં મોટા પરાક્રમમાં પરિણમશે એવા સંકેત સમજી શકાય. આતંકવાદીઓનાં થાણાં - પાકિસ્તાનમાં અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં સલામત છે અને તાલીમ માટે સક્રિય હોવાનું જણાય છે. સરહદ ઉપર 778 કિ.મી. લાંબી વાસ્તવિક અંકુશ રેખા ઉપર આપણી સેનાનો કડક જાપ્તો હોવાથી આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસ નાકામિયાબ થાય છે. ગયાં વર્ષે ઘૂસણખોરીના 10 પ્રયાસમાં 25 આતંકવાદી ઠાર થયા હતા તે પછી અન્ય માર્ગ વપરાતા હોવાનું જણાયું છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન 144 આતંકવાદી ઠાર થયા પછી પાકિસ્તાને લશ્કર-એ-તોયબાને નવેસરથી તાલીમ આપી છે અને કાશ્મીર સાથે ભારતમાં અત્યારની સ્થિતિનો લાભ લેવા હુમલો કરાવ્યો છે. પર્યટકો ઉપર આવા હુમલા કરવા માટે બે-ત્રણ આતંકવાદીની જરૂર હોય અને ભારતને નુકસાન વધુ થાય - વિશ્વનું ધ્યાન ખેંચી શકાય, પણ આવું ધ્યાન ખેંચીને પાકિસ્તાને પોતાની આતંકવાદી છાપ સાબિત કરી છે! તેથી હવે ભારત જવાબી કાર્યવાહી કરે તો અને ત્યારે પાકિસ્તાનની કાગારોળ સાંભળવા કોઈ તૈયાર નહીં હોય. હત્યારાઓએ સંદેશ-ધમકીનો પડકાર આપ્યો છે-જાવ, તમારા મોદીને કહેજો-હવે મોદી ભારતવતી `જવાબ' જરૂર આપશે. આતંકી હત્યારાઓ લશ્કર-એ-તોયબાના છે, પણ એમની પાછળ પાકિસ્તાની સેના છે એ સૌ કોઈ જાણે છે. પાકિસ્તાની સેનાના વડા જનરલ આસીમ મુનીરે હજુ બે-ચાર દિવસ પહેલાં જ કાશ્મીરનું  ગાણું ગાયું હતું : કાશ્મીર તો ઈસ્લામાબાદના ગળાની ધોરી નસ છે- આપણે ભૂલશું નહીં. આપણી કાશ્મીરી ભાઈઓની લડતમાં આપણો સાથ છે... આ ચેતવણી-ધમકી હતી અને તેનો અમલ કર્યો છે. વાસ્તવમાં પાકિસ્તાન `બેબસ' છે. એક બાજુ બલૂચિસ્તાની લોકો પાકિસ્તાનની આખી ટ્રેન હાઈજેક કરી જાય છે અને પાકિસ્તાની સેનાને પડકારે છે તો બીજી બાજુ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો બગાવત કરી રહ્યા છે. ભૂતકાળમાં પૂર્વ પાકિસ્તાન જેવી હાલત છે. ત્યારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કહે છે કે, પાકિસ્તાન સામે બળવો કરીને કાશ્મીરીઓ ખુદ ભારતમાં જોડાવા તૈયાર થઈ રહ્યા છે! જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની કલમ 370 નાબૂદ થયા પછી પણ પાકિસ્તાનના ખેરખાઓ હાથ ઘસતા રહી ગયા! કાશ્મીરમાં ચૂંટણી થયા પછી પર્યટન ઉદ્યોગ ખીલી ઊઠયો. ગયાં વર્ષે 30 લાખ પર્યટક આવ્યા અને આ વર્ષે તુલીપના બગીચાનો નજારો જોવા ભારતીય તથા વિદેશી પર્યટકોનો ભારે ધસારો થયો છે. 26મી માર્ચ પછી આઠ લાખથી વધુ યાત્રી આવ્યા છે. કાશ્મીરનું ભાગ્ય પલટાયું છે. શ્રીનગર અને અન્ય વિસ્તારોમાં લોકોએ પોતાના ઘરમાં ગેસ્ટ હાઉસ અને હોટેલો ખોલી છે. કાશ્મીરી યુવાનો બેકાર નથી અને તેથી પાકિસ્તાનના ભાડૂતી આતંકી બનવા તૈયાર નથી. આ સમસ્યા પાકિસ્તાનની છે! ગમે તેમ કરીને અશાંતિ-અરાજકતા ઊભી કરવી છે તે દિશામાં હવે શરૂઆત થઈ છે. પર્યટન ઉદ્યોગને નિશાન બનાવો. હવે અમરનાથ યાત્રા શરૂ થશે - યાત્રીઓને ડરાવવા - રોકવાનો આ પ્રયાસ છે. `હમ ઝિંદા હૈ' - બતાવવું હતું! આતંકવાદી હુમલાનો સમય પણ પાકિસ્તાન નક્કી કરે છે. અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ વેન્સ ભારતમાં હતા અને ભારત આવતી વખતે એમના વિમાને પાકિસ્તાની આકાશનો ઉપયોગ ટાળ્યો હતો. `મોદીને કહેજો'ની ધમકી ટ્રમ્પને આડકતરો ઈશારો છે અને ચીનને ખાતરી આપે છે કે, અમે તમારી સાથે છીએ. વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે હતા ત્યારે પાકિસ્તાન સાઉદીની શેહ-શરમ રાખતું નથી એવી શેખી બતાવી. સૌથી મહત્ત્વની બાબત-બાંગલાદેશે ભારતનો સાથ ભૂલીને, છોડીને પાકિસ્તાનના પગ પકડયા છે અને હિન્દુઓની કત્લેઆમ થઈ છે - તે પછી વકફ સુધારાના વિરોધમાં બંગાળમાં પણ હિંસા થઈ છે : દેશભરમાં ભડકામણા ભાષણ અને મોદીવિરોધ જગાડવાના પ્રયાસ થાય છે તે વાતાવરણનો લાભ લેવાનો પ્રયાસ ભારતમાં કોમવાદી રમખાણ શરૂ કરવાની મુરાદ છે. આપણે આતંકવાદને હિન્દુવિરોધી નહીં - ભારતવિરોધી, દુશ્મન જ ગણીને ખતમ કરવો જોઈએ. મુસ્લિમ બિરાદરોની પણ આ ફરજ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd