ભુજ તા 26 : કચ્છમાં પોતાનું
આધિપત્ય સ્થાપિત કરનારો આકરો તાપ કેડો ન મુકતો હોય તેમ જિલ્લામાં ચામડી દઝાડતા તાપની
આણ યથાવત રહી છે. અંજાર-ગાંધીધામમાં મહત્તમ તાપમાન ઊંચકાઈને 43 અને ભુજમાં 42 ડિગ્રીએ ઉંચકાતા જનજીવન આકુળ
વ્યાકુળ બન્યું હતું. હવામાન વિભાગે ગરમીના આકરા મોજાંની કોઈ ચેતવણી જારી કરી નથી.
બીજી મે સુધી મહત્તમ પારો 40થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી
કરાઈ છે. રાજ્યમાં રાજકોટ, સુરેન્દ્રનગર,
અમરેલી સાથે કંડલા એરપોર્ટમાં 43 ડિગ્રી તાપમાને આભમાંથી અંગારા
ઓકતી ગરમીની અનુભૂતિ થઈ હતી. રાજ્યમાં અંજાર-ગાંધીધામ ચોથા, તો 42 ડિગ્રીએ ભુજ પાંચમા નંબરનું ગરમ મથક બન્યું હતું. પ્રખર તાપ સાથે આકરી લૂ વર્ષાએ લોકોની રીતસરની અગન
કસોટી કરી હતી. લઘુતમ તાપમાન પણ 24થી 26 ડિગ્રી વચ્ચે રહેતાં રાત્રિના
શીતળતાના બદલે ઉકળાટનો અનુભવ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર હજુ એક બે દિવસ
તાપમાન સ્થિર રહ્યા બાદ પારો બેથી ત્રણ ડિગ્રી ઊંચકાઈ શકે છે. આ માસના અંતિમ દિવસોમાં
ગરમીનો પાછો રાઉન્ડ આવે તેવી સંભાવનાય હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ આખું અઠવાડિયું મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે, તો દરિયાઈ વિસ્તારમાં ભેજયુક્ત બફારાનો માહોલ
જળવાયેલો રહેશે.