• રવિવાર, 27 એપ્રિલ, 2025

પાકિસ્તાની-બાંગલાદેશી મામલે કચ્છ પોલીસ એલર્ટ

ભુજ, તા. 26 : સુરત અને અમદાવાદમાં પોલીસે ધોંસ બોલાવીને અનેક બાંગલાદેશીને ઝડપી લીધાના સમાચાર સામે આવતાં આ અંગે સરહદી જિલ્લા કચ્છમાં પણ પરપ્રાંતીયોની ચકાસણી રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં શરૂ થઈ ચૂકી છે. આ સ્થિતિમાં કચ્છ પોલીસ પણ એલર્ટ મોડમાં હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ઉચ્ચ સ્તરેથી સૂચનાનાં પગલે ઘૂસણખોરી કરીને કચ્છમાં રહેતા લોકોને ઝડપવાના પ્રયાસ ચાલુ છે. આ માટે પરપ્રાંતીયોની ચકાસણી થઈ રહી છે. તેઓની નાગરિક્તાના આધારોની તપાસ ચાલુમાં છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં હાલ ટૂંકા વિઝામાં એક પણ પાકિસ્તાની નાગરિક નથી, જ્યારે લાંબા વિઝાના 50 પાકિસ્તાની નાગરિક છે. કચ્છમાં ઔદ્યોગિક વિકાસનાં પગલે દેશના વિવિધ રાજ્યોમાંથી અનેક લોકો કચ્છ આવી પહોંચ્યા છે. આ ઉપરાંત સોનાં-ચાંદીના ઘરેણાના બંગાળી કારીગરો પણ અહીં સ્થાઈ થયા છે.  બીજી તરફ કોમી એક્તાના પ્રતીક સમાન હાજીપીરના મેળામાં પણ રાબેતા મુજબ અનેક લોકો યાત્રાએ આવ્યા છે. હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે સુરક્ષાને લઈને કોઈ પણ ચૂક ન થઈ જાય તે માટે પોલીસ સતર્ક બની છે. આ સ્થિતિમાં દરેક પાસાને ધ્યાને લઈ તપાસણી થતી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. બીજી તરફ પોતાને ત્યાં કોઈ પણ કામકાજ માટે કારીગરો કે મજૂર રાખ્યા હોય અને અચાનક આવતા બંધ થઈ જાય તો તુરંત પોલીસને જાણ કરવા પોલીસવડા શ્રી સુંડાએ અનુરોધ કર્યો છે.  દરમ્યાન, પહેલગામ કિસ્સા બાદ સમગ્ર કચ્છ જિલ્લામાં આડેસરથી કોટેશ્વર અને ખાવડાથી મુંદરા સુધી ગામડાં ગામથી લઈ છેક સરહદ સુધી સુરક્ષા વ્યવસ્થાને વધુ તેજ બનાવવા સાથે સુરક્ષાથી જોડાયેલા તમામને સાબદા કરી દેવાયા છે. જિલ્લામાં આવાગમન કરતાં નાનાં-મોટાં વાહનોની ચેકપોસ્ટો અને ધોરીમાર્ગ પર સઘન ચકાસણી અવિરત રખાઈ છે. સામાન્ય રીતે સરહદો તરફ જતા માર્ગો ઉપર સુરક્ષા તંત્રોનાં વાહનોના કાફલા જોવા મળતા હોય છે. અલબત્ત હજુ આવી કતારો દેખાતી નથી. આમ છતાં ગમે તેવી સ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિતો સજ્જ હોવાની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ ચૂક્યો છે. શંકાસ્પદ માથાંઓ અને સ્થળો સુરક્ષાની દૃષ્ટિએ `રડાર'માં હોવાની વિગતો પણ જાણવા મળી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd