ભુજ/ગાંધીધામ, તા. 1 : કચ્છમાં પોલીસ કડક રહી હોવા છતાં અમુક
પિયક્કડોએ નશામાં રહીને નવાં વર્ષને આવકાર્યું હતું. આવા 191 પિયક્કડ પોલીસના હાથે
ચડી જતાં તેમને નવાં વર્ષના પ્રથમ દિવસનો સૂર્ય પોલીસ ચોકીમાંથી જોવાનો વારો આવ્યો
હતો. દરમ્યાન, ગાંધીધામની એક હોટેલમાંથી બિયરના નવ ટીન સાથે અમદાવાદના શખ્સને પકડી
લેવામાં આવ્યો હતો, જ્યારે મુંદરા પોલીસે મહેફિલ માણતા ચારને ઝડપી લીધા હતા. દેશી દારૂના
કેસ પણ પોલીસે ગઇકાલે કર્યા હતા. થર્ટી ફર્સ્ટ મનાવવા અમુક શખ્સો હોટેલ, ફાર્મ હાઉસ,
વાડી વિસ્તાર કે ઘરના ધાબાઓ ઉપર ગોઠવાઇ ગયા હતા. આ પિયક્કડો પૈકી બહાર રોડ ઉપર નીકળનારા
પોલીસના હાથે આબાદ ઝડપાઇ ગયા હતા. પશ્ચિમ કચ્છમાં પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ અનુસંધાને
ખાસ આદરાયેલી ઝુંબેશમાં 12 ભારતીય બનાવટના વિદેશી દારૂના કેસ તથા 147 દેશી દારૂના અને
કેફીપીણા પીધેલી હાલતમાં વાહન ચલાવવા સબબના 95 અને દારૂ પીધેલા ઇસમો વિરુદ્ધ 60 કેસ
નોંધાયા હતા.પૂર્વ કચ્છમાં સૌથી વધુ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે 11 પિયક્કડને પકડી પાડયા
હતા. અંજારમાં આઠ, ભચાઉમાં સાત, રાપરમાં છ, ગાગોદરમાં બે તથા ગાંધીધામ બી-ડિવિઝન, સામખિયાળી,
લાકડિયામાં એક-એક પીધેલા ગત રાત્રિ દરમ્યાન ઝડપાયા હતા, જ્યારે આદિપુર, આડેસર, દુધઇ,
કંડલામાં કોઇએ નશો જ ન કર્યો હોય તેમ એકેય પિયક્કડ ગત રાત્રિ દરમ્યાન પોલીસના હાથે
ચડયા નહોતા. દરમ્યાન, ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે શહેરના ટાગોર બગીચા પાછળ આવેલી રેનેસ્ટ હોટેલના રૂમ નંબર 109માંથી કર્ણાવતી પાર્ક
ઘોડાસર અમદાવાદના સંદીપ પોપટ દલસાણિયાને પકડી પાડી તેની પાસેથી રૂા. 1143ના બિયરના
નવ ટીન જપ્ત કર્યા હતા. આ શખ્સને નરેશ ખુશલાણી નામનો શખ્સ રૂા. 4000માં ટીન આપી ગયો
હતો. દરમ્યાન, રાપર પોલીસે દેશી દારૂના ત્રણ, અંજારમાં બે, ભચાઉમાં એક, લાકડિયામાં
એક ગુનો નોંધાયો હતો.