નવી દિલ્હી, તા. 1 : આતંકવાદ સામે લડવા માટે સતત પ્રયત્નશીલ
ભારતને મોટી સફળતા મળી છે. મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો
માર્ગ મોકળો બની ગયો છે. અમેરિકાની અદાલતે 26/11 હુમલાના આરોપી રાણાનાં પ્રત્યાર્પણને
આખરે લીલીઝંડી આપી દીધી છે. ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ આ મંજૂરી અપાઈ છે.
તહવ્વુર રાણાને રાજદ્વારી ચેનલ મારફતે ભારતમાં લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ
છે. રાણાએ 15 ઓગસ્ટ, 2024માં પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલ કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી
હતી. રાણા પર આરોપ છે કે, તેણે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી ડેવીડ કોલમૈન
હેડલીની મદદ કરી હતી. હેડલીએ પહેલાંથી મુંબઈમાં સ્થળોની રેકી કરી હતી. અગાઉ, ભારતે
અમેરિકી કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કર્યા હતા, જેમાં રાણાની 26/11 હુમલામાં સંડોવણી સ્પષ્ટ
રીતે જોવા મળી હતી. અમેરિકાની અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે, રાણા વિરુદ્ધ ભારતમાં
લાગેલા આરોપ અમેરિકા મામલાઓથી અલગ છે. બંને દેશ
વચ્ચેની સમજૂતી અનુસાર, રાણાનું ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે. મુંબઈ હુમલાના
405 પાનાંનાં આરોપનામા (ચાર્જશીટ)માં પણ રાણાનું નામ છે. આરોપનામા અનુસાર, રાણા આઈએસઆઈ
અને આતંકી જૂથ લશ્કર-એ-તોયબાનો સભ્ય છે.