ન્યૂ ઓર્લિન્સ (અમેરિકા), તા. 1 : નવા વર્ષનાં આરંભે જ એક ગોઝારી
ઘટનામાં અમેરિકાના ન્યૂ ઓર્લિન્સ ખાતેની બોરબન સ્ટ્રીટ તથા ઇબર્વિલેના ચાર રસ્તે બુધવારે
સવારે એક ટ્રકે નવા વર્ષની ઉજવણી કરતા લોકોને કચડી નાખી ડ્રાઇવરે અંધાધૂંધ ગોળીબાર
કર્યો હતો. જેમાં 12 લોકોનાં મૃત્યુ તથા 30 ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સ્થાનિક
હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ભયાનક ઘટના બાદ પોલીસે સંદિગ્ધ હુમલાખોરને ઠાર માર્યો
હતો. નાઇટ લાઇફ તથા વાઇબ્રન્ટ કલ્ચર માટે જાણીતી બોરબન સ્ટ્રીટ તથા ઇબર્વિલેના ચાર
રસ્તા પર સર્જાયેલી દુ:ખદ ઘટનાની એફબીઆઇએ તપાસ શરૂ કરી દીધી છે. મેયરે તેને ત્રાસવાદી
કૃત્ય ગણાવ્યા બાદ સ્થાનિક પોલીસે આ કોઇ આતંકવાદી હુમલો ન હોવાનું કહ્યું હતું. અહેવાલો
અનુસાર પરોઢે 3-15 વાગ્યે તીવ્ર ગતિએ ભીડને કચડી ડ્રાઇવરે ટ્રકમાંથી ઉતરતાં જ ભીડ પર
ગોળીબાર કર્યો હતો. ઘટના સ્થળેથી આવેલા વીડિયોમાં લોકો રસ્તા પર ઉભેલા જોઇ શકાય છે
તથા ગોળીબારનો અવાજ સંભળાય છે. ઇજાગ્રસ્તોને રસ્તા પર જોઇ શકાય છે. એવું માનવામાં આવે
છે કે ઘટનાસ્થળે જ ઘણા લોકોના મોત થયા હતા. બે પોલીસ અધિકારીને પણ ગોળી વાગી હોવાના
અહેવાલ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ન્યૂઓર્લિન્સ પોલીસે પણ શંકાસ્પદ પર ગોળી
ચલાવી હતી. ઘટના બાદ આ વિસ્તારની સુરક્ષા વધારી
દેવામાં આવી છે તથા ઘટનાસ્થળ પર કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. સ્થાનિક અધિકારીઓએ
કેસની તપાસ શરૂ કરી શંકાસ્પદને પકડવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અગાઉ ન્યૂ ઓર્લિન્સ પોલીસ
વિભાગના પ્રવકતાએ કહ્યું કે, શરૂઆતના અહેવાલ અનુસાર એક વાહન લોકોની ભીડને કચડે છે તેવું
લાગી રહ્યું છે. જોકે જાનમાલનું કેટલું નુકસાન થયું છે તેનું મૂલ્યાંકન કરી શકાયું
નથી તથા કેટલાક લોકોના મૃત્યુની પુષ્ટિ કરાઇ હતી.
પોલીસે આપાતકાલીન ટીમ ઘટનાની તપાસ કરી રહી હોવાથી તથા શંકાસ્પદની ધરપકડ અંગે
કોઇ જાણકારી બહાર ન આવી હોતાં લોકોને આ વિસ્તારમાં મુસાફરી કરવાનું ટાળવા અપીલ કરી
હતી.