• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

ભુજની ઠગ ટોળકીની જાળમાં સુરતવાસીઓ ફસાયા

ભુજ, તા. 1 : સસ્તાં સોનાની લ્હાયમાં દેશના ખૂણે-ખૂણેથી અહીં આવી પહોંચ્યા બાદ કુખ્યાત ઠગ ટોળકીઓની જાળમાં ફસાયાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે ત્યારે ફરી એક વખત જ્વેલર્સના ધંધાર્થી અને હીરાઘસુ એવા સુરતવાસીઓ ભુજની આવી જ એક ટોળકીનો ભોગ બન્યા છે. સસ્તાં સોનાનાં બહાને રૂા. 31,60,000ની બેગ ઝૂંટવી દગો આપનારા આ ઠગ ટોળકીના પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે, જેમાં બે રાઉન્ડઅપ થયાની?પણ વિગતો સૂત્રો પાસેથી મળી છે. બીજીતરફ ટોળકીના મુખ્ય સૂત્રધાર સિકંદરે ફરિયાદીને મોબાઇલ પર ખુલ્લો પડકાર પણ ફેંકી કહ્યું કે, `રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીથીએ કંઇ નહીં થાય. તમારાથી થાય તે કરી લો.' આમ, આવા ચીટરો બેફામ બન્યાનું સ્પષ્ટ થાય છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે મૂળ અમરેલી બાજુના હાલે કતાર-સુરત રહેતા અને હીરા ઘસવાની નોકરી કરતા રમેશભાઇ બચુભાઇ પાંડવ (પ્રજાપતિ)એ જણાવ્યું હતું કે, તેમના બે પુત્રો મયૂર, હર્ષદ અને નાના ભાઇ વિપુલનો પુત્ર મિતેષ ત્રણે જણા જ્વેલર્સ શોપ ચલાવે છે. મિતેષે એકાદ મહિના પૂર્વે ઓનલાઇન એપમાં ગોલ્ડની જરૂરિયાત માટે રજિસ્ટ્રેશન કર્યું હતું અને તેમાં મોબાઇલ નંબર નાખ્યા હતા. આથી બે દિવસ બાદ જ ભુજથી પ્રણવ સોનીનો ફોન આવ્યો હતો અને બજાર કરતાં 20 ટકા ઓછા ભાવે સોનાનો વેપાર કરતા હોવાનું જણાવ્યું હતું. આ બાદ તે વારંવાર ફોન કરતો હતો અને વીડિયો કોલ કરી ગોલ્ડ બિસ્કિટ બતાવી એક કિલો સોનું આપીશ, મને તમે 500 ગ્રામ સોનાના 31,60,000 આપજો બાકીના પછી આપજો તેવો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. આ જાળમાં ફસાયેલા સુરતવાસીઓ ફરિયાદી ઉપરાંત તેના ભાઇ અને દીકરાઓ તથા કારીગર સહિત તા. 30/12ના જમા કરેલી રોકડ ઉપરાંત દાગીના ગિરવી મૂકી અને સંબંધીઓ પાસેથી ઉધાર લઇ રોકડ સાથે ભુજ આવી પહોંચ્યા હતા. અગાઉ થયેલી ફોન પરની વાતચીત મુજબ તેઓનામાં ત્રણ વ્યક્તિને ગાડીથી તાયબા ટાઉનશિપ સોસાયટીના એક મકાનમાં સફેદ ગાડીથી ડ્રાઇવર સિધીક સાલેમામદ ફકીર લઇ ગયો હતો અને ત્યાં આરોપી સિકંદર સોઢા સાથે મળાવ્યા હતા અને વાતચીત બાદ નાણાં અન્ય પાસે મંગાવ્યા હતા. સુરતવાસીઓએ કહ્યું કે, પહેલાં સોનું આપો પછી નાણાં આપશું આથી કહેવા લાગ્યા, સોનું અહીં નહીં મળે બાદમાં મળી જશે. આથી ના પાડતાં સિકંદર આંખો કાઢવા લાગ્યો અને ઊભા થતાં નાણાં ભરેલી બેગ ઝૂંટવી રૂમમાં બેસવાનું કહી જણાવ્યું કે, અમે સોનું લેવા જઇએ છીએ કહી નીકળી ગયા હતા અને રૂમ બંધ કરી દીધો હતો. બાદમાં દરવાજા ખખડાવતાં કોઇએ દરવાજો ખોલ્યો હતો અને મહિલાઓને સિકંદર અને સિધીક અંગે પૂછતાં તેઓ પોતપોતાની ગાડીથી નીકળી ગયાનું જણાવ્યું હતું. સિકંદરને ફોન કરતાં તેણે જણાવ્યું કે, સોસાયટીની બહાર ઊભેલી રિક્ષામાં બેસી આર.ટી.ઓ. આવી જાવ. આથી રિક્ષામાં બેસી આર.ટી.ઓ. જતા હતા ત્યારે ટુ વ્હીલર પર બેસી બે શખ્સ અમારો પીછો કરતા હતા અને ફોન પર વાત કરી માહિતી સિકંદરને આપતા હોવાની શંકા છે. આ બાદ તે ઝાંસીના સર્કલ પાસે આવવા અને બાદમાં અલગ અલગ આગળ આવવા કહી અમદાવાદ સુધી પહોંચાડી દીધા બાદ સિકંદરે ફોન પર જણાવ્યું કે, તમને સોનું કે પૈસા કંઇ નહીં મળે. તમારાથી થાય તે કરી લો, જેને કહેવું હોય તેને કહો, હર્ષ સંઘવીથી પણ કંઇ નહીં થાય, પોલીસમાં જશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. આ બાદ ઠગાઇની ફરિયાદ કરવા એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા બાદ પોલીસે અગાઉ પકડાયેલા આરોપીઓના ફોટા બતાવતાં પીછો કરનારા બે અજાણ્યા ઇસમને ઓળખી બતાવ્યા હતા અને તેના નામ આરીફ ઓસમાણ ફકીર અને રહીમ ફકીરમામદ સંગાર (રહે. બંને ભુજ) છે. આમ, આ ઠગ ટોળકીના પ્રણવ સોની, સિધીક સાલેમામદ ફકીર, સિકંદર સોઢા, આરીફ ઓસમાણ ફકીર અને રહીમ ફકીરમામદ સંગાર (રહે. તમામ ભુજ) વિરુદ્ધ છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી એ-ડિવિઝન પોલીસે તપાસ આદરી છે. માહિતગાર સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આમાંના બે આરોપીને રાઉન્ડઅપ કરાયા છે પરંતુ તપાસના હિત ખાતર અન્ય વિગતો જાહેર કરાઇ નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd