નવી દિલ્હી, તા. 1 : ટીમ ઇન્ડિયાના મેલબોર્નમાં શરમજનક પ્રદર્શન
બાદ ગૌતમ ગંભીર ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ આક્રમક જોવા મળ્યો હતો. ગંભીરે સાફ કહી દીધું
હતું કે, બહુત હો ગયા.. હવે વધુ થઈ રહ્યું છે. વધુમાં સીનિયર ખેલાડીઓના ફોર્મ અને અભિગમને
લઈને પણ નારાજ લાગ્યો હતો. ગંભીરે ડ્રેસિંગ રૂમના ભાષણમાં કોઈનું નામ લીધું નહોતું
પણ નૈસર્ગિક રમત રમવાનું બહાનું બનાવતા ખેલાડીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તેઓએ સ્થિતિ
અનુસાર રમવું પડશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં થનારા મુકાબલા પહેલાં ઓસ્ટ્રેલિયાની
ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. ચોથી મેચના પ્રદર્શન બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર ખેલાડીઓનાં
પ્રદર્શનથી નાખુશ થયો હતો અને ડ્રેસિંગ રૂમમાં નારાજગી જાહેર કરી હતી. ઘણા અહેવાલમાં
દાવો કરવામાં આવ્યો હતો કે ગંભીરે ખેલાડીઓને ચેતવણી આપી છે. આ દરમિયાન પૂર્વ ભારતીય
ખેલાડી ઈરફાન પઠાણે ડ્રેસિંગ રૂમમાં થયેલી વાતચીતના મીડિયા અહેવાલ ઉપર પ્રતિક્રિયા
આપી છે. ઇરફાને કહ્યું હતું કે, ડ્રેસિંગ રૂમમાં જે કંઈ થાય છે તે ત્યાં જ રહેવું જોઈએ.