• રવિવાર, 19 મે, 2024

દેશહિતમાં નથી નેતાઓની દેશદ્રોહી ભાષા

પાકિસ્તાની આતંકવાદનો આક્રમક જવાબ આપવામાં મળેલી સફળતા કોંગ્રેસના નેતાઓ સ્વીકારવા તૈયાર નથી. બાલાકોટ હોય કે પૂંચની ઘટના હોય, ભારતના હિતશત્રુ આપણા રાજકીય નેતાઓ હોય તેમ શાબ્દિક દેશદ્રોહ કરી રહ્યા છે. મુંબઈ ઉપર આતંકી આક્રમણખોર કસાબ એની કબરમાં જ્યાં પણ હોય - ત્યાં ખુશ થાય એવી ભાષા મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતા વાપરી રહ્યા છે! મહારાષ્ટ્રના ઉચ્ચ પોલીસ અધિકારી હેમંત કરકરેને કસાબની ગોળી નહીં, પણ આરએસએસ સાથે જોડાયેલા પોલીસની ગોળીથી એમનું મૃત્યુ થયું હતું - એવો આક્ષેપ - કરવા પાછળ નિર્લજ્જ રાજકીય હેતુ છે - રાષ્ટ્રદ્રોહ છે. નિવેદન કરનારા સામે માત્ર ફરિયાદ થાય નહીં. કોંગ્રેસ અને શિવસેનાએ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રની માફી માગીને આવા નેતાની હકાલપટ્ટી કરવી જોઈએ. ઉજ્જવલ નિકમે વડેટ્ટીવારને જવાબ આપતાં કહ્યું છે કે, શહીદ થયેલા પોલીસ અધિકારી કામટે અને કરકરેને ગોળી મારવાની કબૂલાત ખુદ કસાબે કોર્ટમાં કરી હતી અને તમે કહો છો કે, કસાબે આવું નથી કર્યું. પાપ ક્યાં જઈને ફૂટશે. વડેટ્ટીવારે ઉજ્જવલ નિકમને ગદ્દાર કહ્યા છે તે અંગે દુ: વ્યક્ત કરતાં કહ્યું છે કે, આવાં બેજવાબદાર નિવેદનનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે તેનું એમને ભાન પણ નથી. `તમે પાકિસ્તાનને મદદ કરી રહ્યા છો' તેની અસર કેવી પડશે તેનો અંદાજ છે? હવે વિજય વડેટ્ટીવાર ભીનું સંકેલવાનો પ્રયાસ કરતાં કહે છે કે, ` શબ્દ મારા નથી. મેં કહ્યું છે, જે માજી પોલીસ અધિકારી એસએમ મુશ્રીફનાં પુસ્તકમાં લખ્યું છે.' ઉજ્જવલ નિકમ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસનાં વર્ષા ગાયકવાડ છે. જે રીતે નિકમને લોકોનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી અકળાઇને વડેટ્ટીવારે નિવેદન કર્યું છે. વડેટ્ટીવારનાં નિવેદનને લઈ તેમની વિરુદ્ધ કોમી વૈમનસ્યને ફેલાવવાના આરોપસર કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે. ચૂંટણી વખતે કોંગ્રેસને કસાબની ચિંતા થવી ચોક્કસ લઘુમતીઓને અને પાકિસ્તાનને ખુશ કરવા માટે છે. હવે વડેટ્ટીવારની જવાબદારી બને છે કે, તે નિવેદન સંદર્ભમાં પુસ્તકના લેખક એસએમ મુશ્રીફ પાસેથી સમર્થનમાં પુરાવા જાહેર કરે. મુશ્રીફની વાત સાચી હોય તો તેઓઁએ અત્યાર સુધી કરકરે પર ગોળી છોડનારા અધિકારીને છાવરી રાખ્યો એટલે કે, હત્યારાને મદદ કરી તે માટે તેઓ પર પણ કામ ચલાવવું ઘટે. વડેટ્ટીવારનાં નિવેદનને લઈ કોંગ્રેસ શા માટે પાકિસ્તાનની ભાષા બોલી રહી છે? વડેટ્ટીવારનું નિવેદન સાચાં તથ્યો પર આધારિત નથી; જૂઠું અને અર્ધસત્ય છે. સંદેહ ઊભો કરે છે અને કસાબને ફાંસીની સજાના કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે. આવાં નિવેદન મતોનાં ધ્રુવીકરણ માટે આપવામાં આવ્યાં છે, જે હાનિકારક અને ચૂંટણી ભાવનાઓને ઉશ્કેરવા તથા જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ છે. હવે વડેટ્ટીવારનાં નિવેદન પર તેમના સાથી પક્ષો ઉદ્ધવ ઠાકરે સેના, શરદ પવારના રાષ્ટ્રવાદીએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. વડેટ્ટીવાર જે કરી રહ્યા છે, તે પાકિસ્તાન ઈચ્છી રહ્યું છે કે, દેશદ્રોહી કૃત્ય છે અને તેની યોગ્ય સજા થવી જોઈએ. કોંગ્રેસ નેતા વડેટ્ટીવારે કસાબ સંદર્ભમાં કરેલાં ભારે વિવાદાસ્પદ સખત વિરોધ - યોગ્ય નિવેદનનો વિવાદ શમ્યો નથી, ત્યાં પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન ચરણજિત સિંઘ ચન્નીએ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ભારતીય હવાઈદળનાં વાહન પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને `સ્ટન્ટ' ગણાવ્યો છે. તેઓ કહે છે, ચૂંટણી આવે ત્યારે ભાજપને જીતાડવા માટે આવા સ્ટન્ટ તૈયાર કરવામાં આવે છે. જલંધરથી કોંગ્રેસના ઉમેદવાર ચન્નીએ સેનાના જવાનો પર હુમલા અને તેમની શહાદતને સ્ટન્ટબાજી કહેવી દેશદ્રોહ છે. શું સેનાના જવાન પોતાનો જીવ દેશ પર કુરબાન કરીને સ્ટન્ટ કરી રહ્યા છે? આનાથી કોંગ્રેસની માનસિકતા સામે સવાલ ઊભા થયા છે. ચન્ની આમ પણ બીજાં કારણોસર વિવાદમાં રહ્યા છે. તેને લઈ જલંધરમાં એકવાર ફરી મહિલાઓએ તેમનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન તરફી નિવેદનો આપવાની કેટલાક માજી મુખ્ય પ્રધાનોમાં હોડ લાગી છે. હાલની એક ચૂંટણી પ્રચાર રેલીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન હેઠળનું કાશ્મીર આપણું હતું, છે અને રહેશે. પહેલાં ભારતના વિદેશ પ્રધાન પણ વાત કહી ચૂક્યા છે. હવે જમ્મુ-કાશ્મીરના માજી મુખ્ય પ્રધાન ફારુખ અબ્દુલ્લા કહે છે, યાદ રાખો કે, પાકિસ્તાને પણ બંગડીઓ નથી પહેરી, તેમની પાસે પણ એટમ બોમ્બ છે અને કમનસીબે એટમ બોમ્બ આપણા પર પડશે..! ફારુખ અબ્દુલ્લાનું માનસ પાકિસ્તાન આતંકવાદી શક્તિનું મનોબળ વધારનારું છે અને આપણી સેનાની હિંમત ઓછી આંકનારું છે. અહીં નોંધનીય છે કે, બીજા માજી મુખ્ય પ્રધાને પાકિસ્તાનની વકાલત કરી છે. પાકિસ્તાનને ભારતની શક્તિ અને નિર્ણાયક શક્તિનો પરચો અનેક વખત મળી ચૂકયો છે - પણ અબ્દુલ્લાને હજી પાકિસ્તાનની તાકાત ઉપર ભરોસો બાકી રહ્યો લાગે છે ! અલબત્ત, ફારૂખ અબ્દુલ્લા સમયાંતરે પાકિસ્તાન તરફી નિવેદનો માટે વગોવાયેલા છે. રાજકીય કારકિર્દી અને સુખ-સમૃદ્ધ જીવન ભારતની ધરતી પર પ્રાપ્ત થયાં હોવા છતાં ફારૂખ?જેવા કાશ્મીરી નેતાઓનું દિલ પાકિસ્તાન માટે ધડકતું આવ્યું છે આને માત્ર વાણીવિલાસ માનીને બેસી રહેવાય નહીં, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી કક્ષાના નેતાનાં કથનો કાશ્મીર અને દેશના લોકો, યુવા પેઢી ધ્યાને લેતી હોય છે. યુવાનો બિનજરૂરી ભ્રમિત થાય છે. ભારતની ચૂંટણીમાં દખલગીરી કરનારા વિદેશીઓ અને ભારતમાં બેઠેલા હિતશત્રુઓની દેશદ્રોહી માનસિકતા છતી થઈ રહી છે. નોંધપાત્ર છે કે, ઇન્ડિ મોરચાના નેતાઓને આવાં દેશદ્રોહી નિવેદનો મંજૂર છે? કે પછી હાઈકમાંડની મંજૂરીથી આક્ષેપબાજી થાય છે? આવાં ભારત વિરોધી ભાષણોનો યોગ્ય જવાબ ભારતના નાગરિકો, મતદારો આપશે. માત્ર જવાબ નહીં, આવા નેતાઓ સજાને પાત્ર છે. ભારતે આજે પાકિસ્તાની આતંકવાદને આક્રમક જવાબ આપ્યો છે અને આતંકી હુમલા બંધ થયા છે, ત્યારે વિપક્ષી નેતાઓ લોકસભાની ચૂંટણી દરમિયાન કુપ્રચાર અને આક્ષેપોથી રાજકીય લાભ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કસાબનાં શબને બેઠું કરવાના પ્રયાસ થાય છે, જે શરમજનક છે, છતાં વિપક્ષી નેતાઓને ચૂંટણીથી આગળ ભારતની સલામતી અને ભવિષ્યની ચિંતા નથી !

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang