• રવિવાર, 19 મે, 2024

રાજસ્થાન વિરુદ્ધ દિલ્હીનો આજે કરો યા મરો જંગ

નવી દિલ્હી, તા. 6 : આઇપીએલ - 2024ના પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે દિલ્હી કેપિટલ્સે મંગળવારે રમાનાર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં હરહાલમાં જીત મેળવવી પડશે. રાજસ્થાન સામેની હારથી દિલ્હીની પ્લેઓફની રાહ ઘણી કઠિન બની જશે. દિલ્હી માટે કરો યા મરો સમાન મેચમાં તેના કપ્તાન ઋષભ પંત અને કાંગારૂ યુવા બેટર જેક ફ્રેઝર મેકગર્કના દેખાવ પર નજર રહેશે. દિલ્હી કેપિટલ્સ ટીમના 11 મેચમાં જીતથી 10 અંક છે. તેના પાસે હવે 3 મેચ બચ્યા છે. જે તમામમાં જીત જરૂરી છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ વર્તમાન સીઝનમાં શાનદાર દેખાવ કરી રહી છે. તેના ખાતામાં 10 મેચમાં 16 પોઇન્ટ છે. રાજસ્થાન રોયલ્સને હાર આપવા માટે દિલ્હી ટીમે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમની સપાટ પિચ પર રાજસ્થાનના બેટર્સ બટલર, યશસ્વી, કપ્તાન સેમસન અને રિયાન પરાગ પર અંકુશ મુકવાનો દિલ્હીના બોલર્સ ખલિલ અહમદ, ઇશાંત શર્મા અને કુલદીપ યાદવ સામે પડકાર રહેશે. સ્ટેડિયમની સીમારેખા 60 મીટર છે. એવામાં બન્ને ટીમના બેટર્સ પ્રારંભથી બિગ હિટિંગ શરૂ કરી દેશે. આથી પહેલો દાવ લેનાર ટીમ સ્કોર બોર્ડ 200 પ્લ સ્કોર જોવા માગશે. દિલ્હીનો સુકાની પંત ત્રણ અર્ધસદીથી 380 રન કરી ચૂક્યો છે. તે અને જેક ફ્રેઝર કોઇ પણ મેચનો નકશો બદલી શકે છે. જો કે રોયલ્સ પાસે શાનદાર બોલિંગ આક્રમણ છે. આવેશખાન, સંદીપ શર્મા, ચહલ અને અશ્વિન સામે દિલ્હીના બેટધરોને કસોટી થશે. સીઝનમાં બન્ને ટીમ વચ્ચે માર્ચમાં જયપુર ખાતે ટક્કર થઇ હતી. ત્યારે દિલ્હીએ પરાજય સહન કરવો પડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang