નવી દિલ્હી, તા. 9 : દુનિયાભરમાં
ટી-20 લિગ્સમાં લગાતાર વધારા વચ્ચે
ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોંટિંગે વન-ડે ક્રિકેટનાં ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત
કરી હતી. પોંટિંગે એવી ભીતિ વ્યક્ત કરી હતી કે, આવનારાં વર્ષોમાં 50 ઓવરની ક્રિકેટ આંતરરાષ્ટ્રીય કેલેન્ડરમાંથી ઘટી શકે છે. તેમણે
કહ્યું કે જો કોઈ એક ફોર્મેટ સૌથી વધુ પ્રભાવિત થશે તો તે વન-ડે ક્રિકેટ હશે. શું 50 ઓવરના ક્રિકેટનું ભવિષ્ય ફક્ત
વર્લ્ડ કપ પૂરતું મર્યાદિત રાખી શકાય છે. તે અંગે પૂછવામાં આવતા, પોન્ટિંગે કહ્યું કે આગામી વર્ષોમાં વન-ડે મેચોની
સંખ્યામાં ઘટાડો થવાનો છે. તેમણે કહ્યું કે, જેમ જેમ વર્ષો વીતતા
જાય છે અને વિશ્વભરમાં વધુને વધુ ટી-20 ક્રિકેટ અને ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટ રમાય છે, તેમ તેમ 50 ઓવરના ક્રિકેટની લોકપ્રિયતા
ઘટતી જાય છે. `સાચું કહું તો, હું તેનો મોટો ચાહક નથી. વન-ડે રમવાનું ખૂબ
ગમતું હતું. પરંતુ ક્યાંકને ક્યાંક કંઈક ઘટાડવું પડશે.' તેમણે
કહ્યું. `ટેસ્ટ ક્રિકેટ
મજબૂત રહેશે, ખાસ કરીને જ્યાં સુધી ભારત,
ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને કદાચ દક્ષિણ આફ્રિકા
જેવા દેશો આ ફોર્મેટને મજબૂત રાખવા માંગે છે. તેથી, જો કોઈ એક
ફોર્મેટ સૌથી વધુ પ્રભાવિત થવાનું હોય, તો મને લાગે છે કે તે
50 ઓવરનું ક્રિકેટ છે.'