ભચાઉ, તા. 9 : તાલુકાના ચોબારીમાં અંદાજિત
ચાર કરોડના ખર્ચે પાંચ પૈકીની ત્રણ પ્રાથમિક શાળાનાં બાંધકામ થઈ રહ્યાં છે, તેમાં એક પ્રાથમિક શાળામાં બાંધકામ નબળું હતું
અને દર્શાવેલી સામગ્રી માત્ર 50 ટકા વપરાતી હોવાની રાવના પગલે બાંધકામ તોડાવ્યું હતું અને ત્યાર
પછી નવેસરથી શરૂ કરવામાં આવ્યું છે. ચોબારીના
સરપંચ વેલજીભાઈ આહીર, જિલ્લા પંચાયતના સભ્ય પુરીબેન વેલજીભાઈ આહીર
દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પંચનામુ કરી ચાલતાં કામને અટકાવી પ્રથમ માળનીની છત
અને પગથિયાંને તોડી પાડી પુન:નવેસરથી ગુણવત્તાવાળું બાંધકામ કરવાનું શરૂ કરવામાં આવ્યું
હતું. અત્રે નોંધીએ તો કુલ ચાર કરોડ જેવી રકમ ચોબારી ગામની અલગ અલગ પાંચ પ્રાથમિક શાળા
ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે તે પૈકી ત્રણ પ્રાથમિક શાળાનું કામ અત્યારે
કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
200 ફૂટનો સ્લેબ અને પ્રથમ માળના
પગથિયાંને આ રજૂઆતને પગલે તોડી પાડવામાં આવ્યા છે. નવેસરથી દર્શાવેલી ગુણવત્તા મુજબનું કામ કરવા કોન્ટ્રાક્ટરે
પણ સહમતી દર્શાવી અને નવેસરથી કામ ચાલુ કરી
દેતાં વિવાદનો અંત આવ્યો છે. અત્રે નોંધીએ, તો કૃષ્ણનગરની પ્રાથમિક શાળા માટે વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, પરંતુ કોઈ પણ કારણોસર આ કામ ચાલુ થયું નથી. આ કાર્ય પણ ચાલુ થાય એવી માંગ કરવામાં
આવી છે. સામાન્ય રીતે એવું માનવામાં આવી રહ્યું હોય છે કે, ચૂંટાયેલા
પ્રતિનિધિ અથવા વગદાર રાજકારણીઓ વિકાસકામોમાં મલાઈ ખાઈ અને નબળી ગુણવત્તાવાળા કામને
ચાલવા દેતા હોય છે, પરંતુ ચોબારી ગામની પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટર
દ્વારા થતાં નબળા કામને અટકાવી અને પુન: સારું કામ થાય એ માટે છત તોડવાનું કાર્ય કરાવી
એક ઉદાહરણ પૂરું પાડયું છે. વર્ષ 2005-06માં આ શાળાનું નિર્માણ થયું
હતું, પરંતુ મકાન નબળું પડતાં રાજ્ય સરકાર દ્વારા નવી ગ્રાન્ટ આપી અને શાળા નિર્માણ ,બાંધકામ માટે ચાર
કરોડ જેવી રકમ પાંચ શાળા માટે અપાઈ હતી તે પૈકી ત્રણ શાળાનું કામ અત્યારે ચાલી રહ્યું
છે.