• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

અંજારમાં સત્તાપક્ષના આંતરિક કથિત પત્રકાંડ મામલે નવાજૂનીનો ગણગણાટ

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 9 : શહેરમાં સુધરાઈના અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ વચ્ચે ચાલતો કથિત આંતરિક જૂથવાદની સાક્ષી પુરતો પત્રકાંડ રાજ્યભરમાં  ચર્ચાનો વિષય બન્યો છે. ભારે ચકચાર જગાવનારા આ બનાવ મામલે સંબંધિતો સામે કેવા પ્રકારનાં પગલાં ભરાશે તેવી જુદા-જુદા પ્રકારની ગણતરી માંડતો ગણગણાટ રાજકીય વર્તુળોમાં શરૂ થયો છે.  નગરપાલિકાના  શાસકપક્ષના નેતા આશિષ ઉદવાણી, કારોબારી ચેરમેન  પ્રકાશભાઈ લોદરિયા, ઉપપ્રમુખ પરેશભાઈ માલસત્તરની સહી અને લેટરપેડ સાથે લખાયેલા  કથિત પત્રમાં સુધરાઈ પ્રમુખના પતિ સામે  વહીવટીમાં દખલગીરી, કર્મચારીઓને કનડગત સહિતના મુદ્દે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ રજૂઆતોને ટાંકીને શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ, મહામંત્રી  અશ્વિનભાઈ સોરઠિયા, ક્રિપાલસિંહ રાણાની સહી સાથેના કથિત પત્રમાં જિલ્લા ભાજપમાં રજૂઆત કરાઈ છે, તો બીજી બાજુ સુધરાઈ પ્રમુખ દ્વારા નામ વિના હેરાન કરવા વિગેરે સ્પષ્ટતા જુદા-જુદા માધ્યમો ઉપર કરાઈ છે.  ગંભીર આક્ષેપો કરતા પત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક સાથે જિલ્લા અને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે  સત્તાપક્ષના ભાજપના પ્રતિનિધિ દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જવાબદારોનાં મૌનથી અનેક પ્રકારના તર્કવિતર્ક વહેતા થયા છે. રાજકીય વર્તુળોમાંથી  બહાર આવેલી ચર્ચા અનુસાર પાલિકા અને સંગઠનના પદાધિકારીઓને જિલ્લાના મોવડી મંડળે બોલાવીને ઝાટકણી કાઢી છે. પત્ર કોના કહેવાથી લખાયો, આ માટે પ્રયોજન સહિતના મુદ્દે ઉચ્ચકક્ષાએ પુછપરછ  કરવા સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. પક્ષની આંતરિક અને  સંવેદનશીલ  મનાતી ગુપ્ત ગતિવિધિ જાહેર મંચ ઉપર ઉજાગર કેવી રીતે થઈ તે દિશામાં ગંભીર રીતે તપાસની તજવીજ ચાલી રહી છે. વધુમાં આગામી દિવસોમાં આ સમગ્ર મામલે  કોની જવાબદારી નક્કી તેના ઉપર કેવા પ્રકારનાં પગલાં લેવાશે, તેના ઉપર સૌની મીંટ મંડાઈ છે. સ્થાનિક  રાજકીય વર્તુળો દ્વારા આગામી દિવસોમાં નવા -જૂની થવાનો અંદેશો વ્યક્ત કર્યો છે, પરંતુ   ભૂતકાળમાં ચર્ચાના એરણે  આવેલા મોટાભાગના બનાવોમાં  ઉડીને આંખે વળગે તે પ્રકારની કોઈ  કાર્યવાહી થઈ નથી ત્યારે આ પ્રકરણમાં કાર્યવાહી થશે ખરી તેવો સવાલ વહેતો થયો છે. અંાતરિક હુંસાતુંસીના પરાકાષ્ટાએ પહોંચેલા આ મામલાએ  અનેક  પ્રકારના સવાલો સર્જાયા છે. આ હિલચાલ કોને ફાયદો આપવશે અને કોને નુકસાન પહોંચાડશે તેના ઉપર સૌની મીંટ મંડાઈ છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd