ગાંધીધામ, તા. 9 : મેઘપર બોરીચી ગામના ઓવરબ્રિજ
નજીક જાહેરમાં લોકોને માદક પદાર્થ ગાંજો વેંચતા ત્રણ શખ્સોને પૂર્વ કચ્છ એસઓજીએ પકડી
પાડી તેમની પાસેથી રૂા. 2 લાખનો 4 કિલો ગાંજો જપ્ત કરાયો હતો. ગળપાદરથી અંજાર
જતાં ધોરી માર્ગ પાસે મેઘપર ઓવરબ્રિજ સર્વિસ રોડ પર ઊભા રહી ત્રણ શખ્સો લોકોને છૂટકમાં
ગાંજો વેંચતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ જગ્યાએ બાઇક
લઇને ઊભેલા ત્રણ શખ્સોને ઝડપી લેવાયા હતા. મેઘપર બોરીચીની સંત કૃપા સોસાયટીમાં રહેતા
મૂળ બિહારના રાકેશ રંજન શ્રીરામ ઓઝા, ઉત્તરપ્રદેશના સંદિપ કુમાર હોશિલા પટેલ તથા મુંબઇ કાંદીવલીના હર્ષ ગોપાલ ચોબેની
પકડી પાડી તેમની તપાસ કરવામાં આવી હતી. આ પકડાયેલા શખ્સો પાસેથી એક સિમેન્ટની બોરી
મળી હતી જેમાં સેલોટેપ વિંટળાયેલા બે પેકેટ મળ્યા હતા. જે ખોલીને જોતાં વનસ્પતીજન્ય
પાંદડા વગેરે માદક પદાર્થ જણાયો હતો આ પદાર્થ ગાંજો હોવાનું આ શખ્સોએ કહ્યું હતું.
ત્રણેયને એસ.ઓ.જી. કચેરીએ લઇ જઇ એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખરાઇ કરાવતા આ પદાર્થ ગાંજો
જ હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણેય પરપ્રાંતીય
શખ્સો પાસેથી રૂા. બે લાખનું ચાર કિલો ગાંજો જપ્ત કરાયો હતો. આ શખ્સોએ માદક પદાર્થ
કયાંથી મેળવ્યો હતો તે બહાર આવ્યું નહોતું.