• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

દરિયાની વધતી સપાટી કચ્છના કાંઠાળ ભાગો માટે જોખમી

હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 9 : ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવે ભારતીય દરિયાકિનારે સ્પષ્ટપણે દેખાવા લાગી છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય  અને `ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફર્મેશન સર્વિસિસ'ના તાજેતરના આકારણી અહેવાલો મુજબ, ભારતીય તટવર્તી વિસ્તારોમાં દરિયાની સપાટી વૈશ્વિક સરેરાશ કરતાં પણ વધુ ઝડપથી વધી રહી છે. આ વૈશ્વિક અને રાષ્ટ્રીય ખતરા વચ્ચે 1,600 કિલોમીટરથી વધુ લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત સૌથી વધુ સંવેદનશીલ ઝોનમાં આવી ગયું છે. બદલાતી આબોહવા વચ્ચે કચ્છ સહિત ગુજરાતના દરિયાકાંઠાનું અસ્તિત્વ, કરોડોની વસતીનું ભવિષ્ય અને દરિયાકાંઠાના આર્થિક માળખા સામે અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. એમાં પણ ખંભાતનો અખાત અને ભાવનગર પર મોટું જોખમ આવે એવી શક્યતા છે. આ રિપોર્ટના ડેટા પ્રોજેક્શન અનુસાર, ગંભીર કાર્બન ઉત્સર્જનની સ્થિતિમાં વર્ષ 2100 સુધીમાં ભાવનગર ખાતે દરિયાઈ સપાટીમાં 0.87 મીટર (લગભગ 3 ફૂટ) સુધીનો વધારો થઈ શકે છે.  ગુજરાતના દરિયાકિનારાના મોટા ભાગના વિસ્તારો નીચાણવાળા અને ભરતી-ઓટના વિશાળ પ્રદેશો ધરાવે છે. ખાસ કરીને ખંભાતનો અખાત અને તેની આસપાસના વિસ્તારો દરિયાની વધતી સપાટી સામે ખૂબ નાજુક સ્થિતિમાં છે.  આવી સ્થિતિમાં ગુજરાત માટે મુખ્ય ચિંતાજનક બાબતો એ છે કે, ભૂગર્ભજળમાં ખારાશનું આક્રમણ: દરિયાની વધી રહેલી સપાટીને કારણે કિનારાના વિસ્તારોમાં મીઠા પાણીના સ્ત્રોતોમાં દરિયાનું ખારું પાણી ભળી રહ્યું છે. જેનાથી ખેતી અને પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે. ભરતીના સામાન્ય સ્તરમાં વધારો થવાથી અને ચક્રવાત દરમિયાન આવતા મોજાંઓને કારણે નીચાણવાળા - કચ્છના કાંઠાળ ભાગો માટે જોખમી : વિસ્તારો અને બંદરો પર કાયમી જળબંબાકાર થવાનું જોખમ વધી ગયું છે.  વર્ષ 2050 એટલે કે હવે માત્ર 24 વર્ષ સુધીનો વચગાળાનો ખતરનાક સાબિત થઈ શકે છે. વર્ષ 2100 ના લાંબા ગાળાના અંદાજ પહેલાં, વર્ષ 2050 સુધીમાં જ 15 થી 25 સેન્ટીમીટર જેટલો દરિયાઈ સપાટીનો વધારો થવાની ધારણા છે. જે ગુજરાતના નીચાણવાળા કિનારાના જિલ્લાઓ માટે તાત્કાલિક ચેતવણી સમાન છે. આ આંકડો ગુજરાતના કચ્છ, જામનગર, ભાવનગર, ભરૂચ અને વલસાડ જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે તાત્કાલિક રેડ એલર્ટ સમાન છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd