• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

મહિલા ડબલ્સમાં 15 વર્ષ પછી ચંદ્રક નિશ્ચિત

નવી દિલ્હી, તા. 21 : વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની મહિલા ડબલ્સમાં ભારત માટે 1પ વર્ષના લાંબા અંતરાલ બાદ મેડલ નિશ્ચિત થયો છે. ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદે ઇતિહાસ રચીને વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. આ જોડી સિવાય ભારતના તમામ ખેલાડી મેડલ રેસની બહાર થયા છે. મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં આજે સાત્ત્વિક-ચિરાગની સફર પણ સમાપ્ત થઇ હતી.

મહિલા ડબલ્સની કવાર્ટર ફાઇનલમાં ભારતીય જોડી ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદે અપસેટ કરીને ચીનની ત્રીજા ક્રમની જોડી સામે શાનદાર વાપસી કરી જીત મેળવી હતી. ભારતની આ બિન ક્રમાંકિત જોડીનો 69 મિનિટના રસાકસીભર્યાં મુકાબલામાં ચીની જોડી જિયા યીફાન અને ઝાંગ શૂ શિયાન વિરુદ્ધ 16-21, 21-1પ અને 21-13થી યાદગાર વિજય થયો હતો અને સેમિફાઇનલ પ્રવેશ સાથે બીડબલ્યુએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ-2026માં ભારત માટે પ્રથમ ચંદ્રક નિશ્ચિત કરી દીધો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સેમિફાઇનલમાં પહોંચનાર બન્ને પરાજિત જોડીને બ્રોન્ઝ મેડલ મળે છે. મહિલા ડબલ્સમાં ભારતને આથી 1પ વર્ષ બાદ મેડલ મળશે. આ પહેલા વર્ષ 2011માં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ લંડનમાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મેન્સ ડબલ્સમાં ભારતની પાંચમા ક્રમની જોડી સાત્ત્વિક-ચિરાગનો કવાર્ટર ફાઇનલમાં ચીનની ત્રીજા ક્રમની જોડી લિયાંગ વેઇ કેંગ-વાંગ ચાંગ વિરુદ્ધ 18-21 અને 9-21થી પરાજય થયો હતો અને વર્લ્ડ ચેમ્પિયનશિપની બહાર થયા હતા જ્યારે ચીની જોડીએ સેમિમાં જગ્યા બનાવી હતી. સાત્ત્વિક-ચિરાગે 2022 અને 202પ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીત્યા હતા.

Panchang

dd