ગાંધીધામ, તા. 21 : શહેરના ભારતનગર નજીક જનતા કોલોની
સોનલનગરમાં ભાડાંનાં મકાનમાં રહેતી મિનાક્ષી લાલસિંઘ પરીહાર (ઉ.વ. 24)ની હત્યા ગળેટૂંપો આપી નીપજાવવામાં
આવી હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી. આ ચકચારી
મામલે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. છેલ્લાં એકાદ વર્ષથી ગાંધીધામમાં
રહી ખાનગી નોકરી કરતી મિનાક્ષી નામની યુવતીનો ગઈકાલે કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી
આવતાં ભારે ચકચાર પ્રસરી હતી, તો બીજી
બાજુ પોલીસે ગુનાનું પગેરું મેળવવા ભારે વ્યાયામ હાથ ધર્યો હતો. આ યુવતીના મૃતદેહને
પોસ્ટ મોર્ટમ (પી.એમ.) માટે જામનગર લઈ જવાયો
હતો. દરમ્યાન યુવતીના ગળામાં દુપટ્ટા જેવું કપડું વીંટળાયેલું જોવા મળ્યું હતું. પી.એમ.
રિપોર્ટમાં પણ ગળેફાંસો આપવાથી શ્વાસ રૂંધાઈ જવાથી આ યુવતીનું મૃત્યુ થયું હોવાનું
તારણ પ્રથમ પરીક્ષણમાં બહાર આવ્યું હતું. આ અંગે મૃતકના પિતા લાલસિંહ ધનસિંહ પરીહારે
આરોપી ગૌરવ નામના છોકરા (રહે. મગરકઠા, તહેસીલ બરઘાટ, શિવની, મધ્યપ્રદેશ)
વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે,
મૃતકની તેમના પરિવારજનો સાથે ગત તા. 15/8ના રાત્રિના વાત થઈ હતી, ત્યારબાદ સતત ત્રણ દિવસ સુધી યુવતીનો સંપર્ક
કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોએ તપાસ કરતાં અને સ્થાનિકોના જણાવ્યા મુજબ મિનાક્ષી ગત તા. 17/8ના ઘરે આવ્યા પછી જોવા મળી
ન હતી. મિનાક્ષીના કુટુંબી ભાઈ તરીકેની ઓળખ સાથે રહેતો ગૌરવ નામનો છોકરો મંગળવાર સુધી
ઘરમાં હતો, ત્યારબાદ તે પણ ગાયબ થયો
હતો. પોલીસે ગૌરવ નામના આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ યુવતીની હત્યા કયા કારણોસર કરવામાં
આવી હશે તે સહિતની કડીઓ અંકે કરવા પોલીસે તલસ્પર્શી તપાસ આદરી છે.