નવી દિલ્હી, તા. 21 : ખાદ્ય પદાર્થોના
પેકેટ ઉપર 100 ટકા શુદ્ધ અથવા પ્રાકૃતિક લખેલું
જોઈને તેને ગુણવત્તાની ગેરન્ટી માની લેવું જોઈએ નહી. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક
પ્રાધિકરણ (એફએસએસએઆઈ)એ આવા દાવાઓને ભ્રામક માનતા કાર્યવાહી તેજ કરી છે. એફએસએસએઆઈની
કડકાઈ બાદ છ કંપનીઓએ પોતાના ખાદ્ય પદાર્થના પેકેજિંગ, લેબલ, વેબસાઈટ અને પ્રચાર
સામગ્રીમાંથી 100 ટકાના દાવાને
હટાવી લીધો છે. એફએસએસએઆઈના કહેવા પ્રમાણે 100 ટકા શુદ્ધતાના દાવાથી ઉપભોક્તાના મનમાં ઉત્પાદની પુરી શુદ્ધતા, ગુણવત્તા અને શ્રેષ્ઠતા અંગે ભ્રમ ઉત્પન્ન થાય
છે અને ઘણા મામલામાં ગ્રાહકો છેતરાય છે. આ કાર્યવાહીનો સંકેત છે કે એફએસએસએઆઈ આવા દાવાઓની
દેખરેખ અને કાર્યવાહી વધારવા જઈ રહ્યું છે. ઉપભોક્તાને પણ આગ્રહ કરવામાં આવ્યો છે કે
ફૂડ પેકેટ ઉપર ભ્રમમાં મુકતા લેબલ અથવા વિજ્ઞાપનની ફરિયાદ ફૂડ સેફ્ટી કનેક્ટ એપ અને
ફોસ્કોલ પોર્ટલ ઉપર કરી શકાય છે. ફરિયાદ સાથે ફૂડ પેકેટની તસવીર, લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન નંબર અને ઓનલાઈન વેચાણ થયું હોય તો સંબંધિત લિંક
પણ શેર કરી શકાશે. હકીકતમાં ખાદ્ય સુરક્ષા કાયદામાં 100 ટકા શબ્દને ખાસ ગુણવત્તાની
સત્તાવાર ઓળખ તરીકે પરિભાષિત કરવામાં આવ્યો નથી. આ અગાઉ મે, 2025માં પણ ખાદ્ય
કારોબારીઓને લેબલ, પેકેજિંગ અને
પ્રચાર સામગ્રીમાં 100 ટકા શુદ્ધતાના
દાવાથી બચવાની સલાહ આપવામાં આવી હતી.