ભુજ, તા. 21 : કચ્છ યુનિ.ની લાયબ્રેરીમાં
અનુજાતિના વિદ્યાર્થીઓનો ફોટો હટાવાતાં તેનો
ઉગ્ર વિરોધ થયો છે અને આખોય મામલો પોલીસના દ્વારે પહોંચ્યો છે. જીપીએસસીની પરીક્ષામાં
સફળતા મેળવનાર કેતન મહેશ્વરી અને જય યાદવના ફોટા અજાણ્યા શખ્સોએ નકારાત્મક માનસિકતા
સાથે હટાવતાં અનુજાતિ સમાજના આગેવાન હિતેશ મહેશ્વરી અને વિદ્યાર્થી શિવજી સીજુએ કુલપતિને
ઉગ્ર રજૂઆત કરી સમગ્ર ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ ચકાસી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી
હતી. શિક્ષણના ક્ષેત્રમાં સમાનતાનો ભાવ જળવાય તેવી લાગણી વ્યક્ત કરી આ મુદ્દે યોગ્ય
કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધરણાં પ્રદર્શનની ચીમકી અપાઈ હતી. આ બાબતે કુલપતિ ડો.
મોહન પટેલને પૂછતાં તેમણે આખાય ઘટનાક્રમમાં યુનિ.ની કોઈ પણ પ્રકારકી ભૂમિકા ન હોવાનું
કહી લાયબ્રેરીમાં આ પ્રકારે ફોટા લગાવવાની કોઈ પણ પ્રકારની પરવાનગી યુનિ. દ્વારા આપવામાં
આવી નથી. આમ છતાં આ ઘટનાને ધ્યાને લઈ કુલસચિવ મારફત પોલીસના એસસી, એસટી સેલમાં લેખિત જાણ કરાઈ હતી, જેના સંદર્ભમાં પોલીસ દ્વારા યુનિ.ની લાયબ્રેરીમાં જરૂરી તપાસ કરવામાં આવી
હતી.