ભુજ, તા. 21 : કચ્છ યુનિવર્સિટીના રસાયણશાત્ર
વિભાગ દ્વારા એમ.એસસી. પ્રથમ વર્ષમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટી
દ્વારા ઉપલબ્ધ શૈક્ષણિક, સંશોધન અને
કારકિર્દી વિકાસની તકો વિશે માહિતગાર કરાયા હતા. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન
પટેલના હસ્તે નીટ, જીસેટ તથા વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટેના સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગનું ઉદ્ઘાટન કરાયું હતું. રસાયણશાત્ર વિભાગના વડા તથા
વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો. વિજય રામે સ્વાગત પ્રવચન કર્યું હતું. અધ્યાપક ડો. ચિરાગ પટેલે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક
પરીક્ષા વર્ગો અંગે માહિતી આપી હતી. ડો. ગિરીન બક્ષીએ વિભાગ દ્વારા આયોજિત એલ્યુમિનીના
કેમ્પ અંગે માહિતી આપી હતી. ડો. મલય ભટ્ટે વિભાગની બુકલેટમાં સમાવિષ્ટ વિભાગની શૈક્ષણિક,
સંશોધન અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી. કુલપતિ ડો. મોહન પટેલે
"Innovation and Opportunities in Sustainable Agriculture for a Better
Tomorrow' વ્યાખ્યાનમાં કચ્છના સંદર્ભમાં
નવીનતા, સંશોધન, ઉદ્યોગસાહસિક્તા
અને ટકાઉ વિકાસ માટેની સંભાવનાઓની ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ અને સંશોધકોને
ઉદ્યોગો તથા સમાજની જરૂરિયાતોને સમજવા અને વ્યવહારુ સમસ્યાઓના ઉકેલ માટે સંશોધન કરવા
પ્રોત્સાહિત કર્યા હતા. કચ્છની વરસાદની પદ્ધતિ, જમીનની સ્થિતિ,
સ્થાનિક પાકો અને કૃષિ પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને સંશોધન કરવા કહ્યું
હતું. કુલપતિએ વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી મેળવવા પૂરતું મર્યાદિત ન રહેવા કરતાં પોતાના
જ્ઞાન, કૌશલ્ય, સર્જનાત્મક તથા ક્ષમતામાં
સતત વિકાસ કરીને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે સમજાવ્યું કે,
સારા નાગરિક બનવા માટે પ્રેરિત કરે તે સાચો શિક્ષક છે. કાર્યક્રમ દરમિયાન
રસાયણશાત્ર વિભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું કુલપતિ ડો. મોહન પટેલના હસ્તે ઉદ્ઘાટન
કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડો. ગિરીન બક્ષી દ્વારા આભારવિધિ કરવામાં આવી
હતી. અધ્યાપકો ડો. જ્યોતીન્દ્ર ભટ્ટ અને ડો. લખન ચોપડાએ સંચાલનમાં ભૂમિકા ભજવી હતી.